• બુધવાર, 03 જૂન, 2026

રાજ્યમાં નાના-મોટા સત્તામંડળના પુનર્ગઠનની સંભાવના

હૃષિકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા.2 : ગુજરાતના શહેરી વિકાસ તંત્રમાં આગામી સમયમાં મોટા વહીવટી અને માળખાકીય ફેરફારો થઈ શકે છે. રાજ્યના મોટા શહેરોના સતત વિસ્તરણ, વધતી બાંધકામ પ્રવૃત્તિઓ અને લાંબી મંજૂરી પ્રક્રિયાઓ વચ્ચે હવે સરકાર વધુ કેન્દ્રિત, ઝડપી અને ટેક્નોલોજી આધારિત શહેરી વહીવટ ઊભું કરવાની દિશામાં આગળ વધી રહી છે. જોકે, અત્યાર સુધી કોઈ નાના-મોટા સત્તામંડળના પુનર્ગઠન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ બાંધબારણાંની ચાલી રહેલી તૈયારીઓ ઉપરાંત ટેક્નોલોજી આધારિત દેખરેખ અને મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવાના પ્રયત્નોને જોતા, રાજ્યના શહેર વિકાસ તંત્રમાં આવનારા સમયમાં મોટા ફેરફારો જોવા મળે તેવી શક્યતા હાલને તબક્કે નકારી શકાતી નથી.રસ્તા, પાણી, ડ્રેનેજ, ટ્રાફિક અને બાંધકામ સંબંધિત માહિતી એક જ નિયંત્રણ વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ બને તો પ્રોજેક્ટસની દેખરેખ વધુ અસરકારક બની શકે તેવી માન્યતા વહીવટી વર્તુળોમાં જોવા મળે છે. જોકે, હાલને તબક્કે આ મામલો વિચારણા હેઠળ મનાય છે પરંતુ આગામી સમયમાં આ દિશામાં આરંભાયેલી આ કામગીરી ટૂંકમાં કોઈ નક્કર સ્વરૂપે ચોક્કસ જાહેર થશે, એવી શક્યતા જરૂર છે.  સૂત્રોની જાણકારી એવી છે કે, રાજ્યના વિકાસ સત્તામંડળોની ફરીથી રચના કરવા અંગે અભ્યાસ કરાઈ રહ્યો છે. રાજ્ય સરકાર, હાલ અલગ અલગ વિકાસ સત્તામંડળો અને શહેરી સંસ્થાઓ વચ્ચે સંકલનની અછત અનુભવી રહી છે. ઘણી જગ્યાએ એક જ પ્રકારની મંજૂરી માટે અલગ અલગ કચેરીઓ વચ્ચે ફાઇલો ફરતી રહેતી હોવાની ફરિયાદો લાંબા સમયથી સાંભળવા મળે છે. હવે આ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે કેટલાક નાના અથવા સમાન કામગીરી ધરાવતા સત્તામંડળોની રચના અને સીમાઓ અંગે અંદરખાને અભ્યાસ ચાલી રહ્યો હોવાનું કહેવાય છે. નજીકના વિસ્તારોમાં કાર્યરત કેટલાક વિકાસ તંત્રોને ભવિષ્યમાં વધુ સંકલિત માળખા હેઠળ લાવવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. - એક જ બારીથી મંજૂરી, ઓનલાઈન પદ્ધતિ ઊભી કરાશે : આ સમગ્ર બદલાવમાં સૌથી વધુ ભાર એક જ બારીથી મંજૂરી જેવી વ્યવસ્થા ઉપર મૂકાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. જેમાં, બાંધકામ મંજૂરી, નકશા પાસિંગ, જમીન ઉપયોગ પરિવર્તન અને વિવિધ તકનિકી મંજૂરીઓ માટે અરજદારોને અનેક કચેરીઓમાં ફરી વળવું ન પડે તે માટે વધુ ઝડપી ઓનલાઈન પદ્ધતિ ઊભી કરવાની દિશામાં કામ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. - સ્માર્ટ સિટીથી સંકલિત શહેર નિયંત્રણ તરફ : ચર્ચા એવી પણ છે કે, ટેક્નોલોજી આધારિત નિયંત્રણ અને માહિતી વ્યવસ્થાઓ હવે શહેરી વિકાસના કેન્દ્રમાં લવાશે. જેમાં, સ્માર્ટ સિટી યોજનાઓ હેઠળ ઉભી થયેલી સંકલિત નિયંત્રણ વ્યવસ્થાઓ, દેખરેખ કેન્દ્રો અને શહેર સ્તરના માહિતી માળખાને હવે અન્ય શહેરી વહીવટી પ્રણાલીઓ સાથે વધુ મજબૂત રીતે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.  

Panchang

dd