ધર્મશાલા, તા. 11 : કપ્તાન અક્ષર પટેલ
અને ડેવિડ મિલરની અર્ધસદી વડે દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સનો વિજય છીનવતી ત્રણ વિકેટે
દિલધડક જીત મેળવી આઇપીએલ પ્લેઓફની પોતાની આશા જીવંત રાખી હતી. પંજાબે 210 રન બનાવ્યા બાદ દિલ્હીએ અંતિમ ઓવરો સુધીની રોમાંચકતા
બાદ 216 રન બનાવી મેચ પોતાનાં નામે કરી હતી. પંજાબની આ સતત
ચોથી હાર બની હતી, તો દિલ્હીએ ધર્મશાલામાં આઇપીએલનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. દિલ્હી તરફથી
અક્ષર પટેલે 30 દડામાં આઠ ચોગ્ગા, બે છગ્ગા સાથે 56 અને ડેવિડ મિલરે 28 દડામાં ત્રણ ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 51 રન સાથે જીતનો પાયો
નાખ્યો હતો. નિયમિત પડતી વિકેટો અને દડા-રન વચ્ચે સતત ચડ-ઊતરથી મેચ રોમાંચક બની હતી.
આખરે 19મી ઓવરના અંતિમ દડે આકિબ નબીએ સિક્સ લગાવી ટીમને સાત
વિકેટે 216 રને પહોંચાડી જીત દર્જ કરી હતી. પંજાબ તરફથી અર્શદીપસિંહ
અને યશ ઠાકુરે 2-2, જ્યારે બેન ફ્વારશ્ચિસ અને સ્ટોયનિસને 1-1 વિકેટ મળી હતી. પાવર હિટર પ્રિયાંશ આર્યની 6 છગ્ગાથી પ6 રનની
ઇનિંગ્સ અને કેપ્ટન શ્રેયસ અય્યરના અણનમ પ9 રનની
મદદથી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સે 20 ઓવરમાં
પ વિકેટે 210 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. પંજાબની શરૂઆત આક્રમક
રહી હતી. ખાસ કરીને પ્રિયાંશની આતશી બેટિંગને લીધે પાવર પ્લેની 6 ઓવરમાં પંજાબના વિના વિકેટે 72 રન થયા હતા. પ્રિયાંશે ઈનિંગના પહેલા દડે જ સિક્સ ફટકારી
હતી અને પહેલી ઓવરમાં સ્ટાર્કની ધોલાઇ કરીને 22 રન
બનાવ્યા હતા. જો કે, પાવર પ્લે પછી દિલ્હીના બોલર્સ પંજાબની રનરફતાર પર અંકુશ મૂકવામાં સફળ રહ્યા
હતા. પ્રભસીમરન સિંઘ 18 રને આઉટ થયો હતો.
જ્યારે પ્રિયાંશ આર્ય 33 દડામાં 2 ચોગ્ગા-6 છગ્ગાથી
પ6 રનની આતશી ઈનિંગ્સ રમી પાછો ફર્યો હતો. 97 રનમાં 2 વિકેટ
પડી ગયા બાદ કપ્તાન શ્રેયસ અય્યર અને કૂપર કોનલીએ મોરચો સંભાળીને ત્રીજી વિકેટમાં બાવન
દડામાં 83 રનની ભાગીદારી કરી હતી. કૂપર 27 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 38 રને
આઉટ થયા હતા. આ પછી સ્ટાર્કે સ્ટોઇનિસ અને શશાંતસિંહને ઉપરાઉપરી આઉટ કર્યા હતા. જો
કે શ્રેયાંસ શેગડેએ 8 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી
21 રનની કેમિયો ઈનિંગ્સ રમી પંજાબનો સ્કોર 210 રને પહોંચાડયો હતો. શ્રેયસ કેપ્ટન ઈનિંગ્સ રમી 36 દડામાં પ ચોગ્ગા-3 છગ્ગાથી પ9 રને નોટઆઉટ રહ્યો
હતો. મિચેલ સ્ટાર્ક પ7 રન લૂંટાવી ખર્ચાળ
સાબિત થયો હતો. જો કે, તેને બે વિકેટ મળી હતી. નવોદિત બોલર માધવ તિવારીએ 40 રનમાં 2 વિકેટ
લીધી હતી.