• ગુરુવાર, 03 જુલાઈ, 2025

ગુજરાતમાં હેન્ડબોલનો માહોલ જામી રહ્યો છે

ભુજ, તા. 1 : છેલ્લા કેટલાક સમયથી હેન્ડબોલની રમતમાં ગુજરાતના ખેલાડીઓ પણ આગેકૂચ કરી રહ્યા છે અને અહીં લેવા પટેલ સમાજ દ્વારા આયોજિત સિનિયર નેશનલ વૂમન્સ હેન્ડબોલ સ્પર્ધામાં પણ સારો માહોલ જોવા મળી રહ્યો છે એમ આ સ્પર્ધાના ટેકનિકલ ડાયરેક્ટર અને મહેસાણામાં ગુજરાત સરકારની ખાસ હેન્ડબોલ એકેડેમીના નિષ્ણાત કોચ સી.પી. સિંહ કહે છે.  મૂળ હરિયાણાના હિસ્સારના અને ખુદ રાષ્ટ્રીય સ્તર સુધી હેન્ડબોલ રમી ચૂકેલા સિનિયર પ્રશિક્ષક સી.પી.સિંહ જણાવે છે કે, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતમાં પણ હેન્ડબોલનું, ખાસ કરીને શાળા સ્તરે હેન્ડબોલનું સારું આકર્ષણ છે. ગુજરાત સરકારે બે વર્ષ પહેલાં જ મહેસાણામાં ખાસ હેન્ડબોલ માટેની એકેડેમી શરૂ કરી છે, જેમાં હું એક્સપર્ટ કોચની ભૂમિકા ભજવું છું. આ એકેડેમીના ચાર ખેલાડીએ હાલમાં જુનિયર સ્તરે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.  એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, હેન્ડબોલમાં જુનિયર સ્તરે ભારતના ખેલાડીઓએ પોતાની મજબૂત છાપ છોડવાનું શરૂ કર્યું છે ત્યારે આગામી સમયમાં સિનિયર લેવલે પણ આપણા રમતવીરો જરૂર ત્રિરંગો લહેરાવશે. હેન્ડબોલ ઓલિમ્પિકમાં અને એશિયન ગેમ્સ સહિતના મોટા રમતોત્સવોમાં સામેલ છે અને એસએએએફ (સાફ) રમતોમાં ભારતની પુરુષ અને મહિલા ટીમો ચેમ્પિયન બની હતી. હેન્ડબોલ એવી રમત છે જેમાં ઊંચાઈ જરૂરી છે અને તેમાં કૌશલ્યની સાથે શારીરિક ક્ષમતા પણ આવશ્યક છે, ત્યારે ગુજરાતના હેન્ડબોલમાં આગળ વધવા ઈચ્છુક ખેલાડીઓએ નિયમિત પ્રેક્ટિસની સાથે પ્રોટીન સહિતનો પોષણક્ષમ ખોરાક અપનાવવો અનિવાર્ય છે. એ ઉપરાંત મોબાઈલ ફોનના ઉપયોગનો અતિરેક પણ ટાળવો બહુ જરૂરી છે. મહેસાણાની અમારી એકેડેમીમાં તો રાત્રે ખેલાડીઓ પાસેથી અમે મોબાઈલ લઈ લઈએ છીએ અને સવારે જ પરત આપીએ છીએ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)ના મુખ્ય કોચ રહી ચૂકેલા એટલે કે પ્રશિક્ષકોને પણ કોચિંગ આપી ચૂકેલા શ્રી સિંહ કહે છે કે, ભુજમાં ઉત્કૃષ્ટ આયોજન છે. સુવિધાઓ અને માહોલ ઉચિત છે. મને આશા છે કે, આ સ્પર્ધા અહીં હેન્ડબોલને વધુ લોકપ્રિય બનાવશે. ઉલ્લેખનીય છે કે, કચ્છના બે છોકરા હાલ મહેસાણા ખાતેની હેન્ડબોલ એકેડેમી માટે પસંદ થયા છે, તો કચ્છની ચાર મહિલા ખેલાડી વર્તમાન નેશનલ ટૂર્નામેન્ટમાં ગુજરાત વતી રમી રહી છે. આ તબક્કે નિરોણા હાઇસ્કૂલના આચાર્ય અને ખેલ અગ્રણી વિષ્ણુ ચૌધરીએ જીનલ ખેતાણી અને વિશાલ હડિયા જેવા રાષ્ટ્રીય  સ્તરે રમી ચૂકેલા ખેલાડીઓને યાદ કર્યા હતા. 

Panchang

dd