• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

આ વખતના રણોત્સવમાં એક હજારથી વધુ તંબુ

ભુજ, તા. 12 : કચ્છ સીમાએ ધોરડો ગામ પાસે દર વર્ષે યોજાતો કચ્છનો ભવ્ય રણોત્સવ આ વખતે પણ 1લી નવેમ્બરથી શરૂ થવા જઇ રહ્યો છે. 22મા રણોત્સવને લઇને કચ્છના પ્રવાસનથી વહીવટી તંત્રે કવાયત આદરી છે ને એક હજારથી વધુ તંબુ લગાવી રણવચાળે એક અનોખી તંબુનગરી ઊભી કરવાની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. રણોત્સવને લઇ ટેન્ટ સિટી ઊભી કરનારી એજન્સીઓ, પ્રવાસન વિભાગ તથા સ્થાનિક ધોરડો ગ્રામ પંચાયત સાથે યોજાયેલી બેઠક બાદ રણોત્સવ અંગે માહિતી આપતાં કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશમાંથી આવતા હજારો પર્યટકો માટે વ્યવસ્થા જાળવવાની સૂચના વિવિધ વિભાગને આપવામાં આવી છે. ખાસ કરીને 1લી નવેમ્બરથી ફેબ્રુઆરી અંત સુધી ચાર મહિના ચાલનારા આ રણોત્સવમાં ખાનગી વાહનો મારફતે પ્રવાસીઓ સફેદ રણ-તંબુનગરીમાં પહોંચતા હોય છે ત્યારે ભુજ-ખાવડા-ધોરડો માર્ગે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સાથે સંકલન કરવામાં આવ્યું છે. હાલમાં કચ્છમાં વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી આવનારા દિવસોમાં પીવાનાં પાણીની ક્યાંય ખેંચ ન સર્જાય તેમાંય ધોરડો ખાતે હજારો પ્રવાસીઓ દેશ-વિદેશમાંથી આવતા હોવાથી રણોત્સવ દરમ્યાન પાણીની અછત ન સર્જાય એ માટે પાણી પુરવઠા બોર્ડને અત્યારથી જ પાણીની વિતરણ વ્યવસ્થા વધારવા સૂચના આપવામાં આવી છે. ધોરડો ટેન્ટ સિટીથી સફેદ રણ-વોચ ટાવર સુધી અવરજવર કરવા એસ.ટી. બસોની સંખ્યા પૂરતી જળવાઇ રહે એવું પણ જણાવાયું છે. ટેન્ટ સિટીમાં મુખ્ય ટેન્ટ સિટી ઉપરાંત નાના-મોટા ખાનગી રિસોર્ટ પણ આકાર લે છે, જ્યાં અંદાજે એક હજારથી વધુ તંબુ તાણવામાં આવે છે. દરવર્ષે ટેન્ટની સંખ્યા વધતી જાય છે. આવનારા દિવસોમાં રણોત્સવનું સુચારુ આયોજન, સંકલન થાય એ માટે બેઠક પણ મળશે એમ કલેક્ટરે અંતમાં જણાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd