ગાંધીધામ, તા. 12 : કચ્છની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગાંધીધામ જી.આઈ.ડી.સી.ની પાયાની સુવિધાઓના મામલે ઉદ્યોગકારોને પડતી હાલાકી અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના વાઈસ ચેરમેન અને મેનાજિંગ ડિરેક્ટર પ્રવીણા ડી.કે. ગાંધીધામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડી.બી. દવેરાને અલગ-અલગ પત્ર પાઠવી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને સમય સાથે કાર્યવાહીનો અમલ થાય તેવી અનુરોધ કરવામાં આવ્યો છે. અગાઉ પણ રજૂઆતો કર્યા છતાં પ્રશ્નો યથાવત્ રહેતાં ચેમ્બરે હવે સ્થળ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી નક્કર કાર્યવાહી કરવા ભાર મૂક્યો છે. તેવી જ રીતે ગાંધીધામ જીઆઈડીસીમાં પણ લાંબા સમયથી બંધ સ્ટ્રીટલાઈટો, આંતરિક તથા મુખ્ય માર્ગોની જાળવણી, અનિયમિત સફાઈ અને વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થા અંગે ચેમ્બરે ગાંધીધામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. આ સમસ્યાઓ ઉદ્યોગો, વેપારીઓ, પરિવહનકારો ઉપરાંત આસપાસના રહેવાસીઓ માટે પણ મુશ્કેલી સર્જી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધકારમય રસ્તાઓ સુરક્ષા અને વાહનવ્યવહાર માટે જોખમ ઊભું કરી શકે છે. ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, `કચ્છ બંદરો, લોજિસ્ટિક્સ, ઉત્પાદન અને નિકાસની દૃષ્ટિએ દેશના મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે આગળ વધી રહ્યું છે, ત્યારે મીઠીરોહર અને ગાંધીધામ જીઆઈડીસીમાં રસ્તા, પ્રકાશ વ્યવસ્થા, પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ સુદૃઢ હોવી આવશ્યક છે. ઉદ્યોગો ઉત્પાદન, રોજગારી અને નિકાસમાં યોગદાન આપે છે, ત્યારે અનુકૂળ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પણ તંત્રની મહત્ત્વપૂર્ણ જવાબદારી છે. ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, `પાયાની સુવિધાઓની અછતની અસર ઉત્પાદન ખર્ચ, સપ્લાય ચેન, નિકાસની સ્પર્ધાત્મકતા અને રોકાણકારોના વિશ્વાસ પર છે. રોકાણને પ્રોત્સાહન આપવા માટેની નીતિઓ અને પ્રોત્સાહનોની સાથે ગુણવત્તાયુક્ત રસ્તા, સલામત પરિવહન, પૂરતી લાઈટિંગ અને સ્વચ્છ ઔદ્યોગિક વાતાવરણ પણ એટલું જ જરૂરી છે.' ગાંધીધામ ચેમ્બરના કારોબારી સભ્ય તથા જીઆઈડીસી એસોસીએશનના સેક્રેટરી દેનુ કાપડિયાએ જણાવ્યું હતું કે, મીઠીરોહર જીઆઈડીસીમાં ભારે વાહનોની અવરજવર હોવાથી ખરાબ રસ્તાઓની સીધી હાલતને કારણે ઉદ્યોગો અને નિકાસકારોને રાજિંદી કામગીરીમાં મુશ્કેલીઓ પડે છે. આ સમસ્યાઓનું અગ્રતાક્રમે નિવારણ લાવવા ભારપૂર્વકની રજૂઆત કરાઈ છે. - મીઠીરોહર જીઆઈડીસીમાં હજારો ભારે વાહનની અવરજવર : ગાંધીધામ, તા. 12 : મીઠીરોહર જી.આઈ.ડી.સી.માં દર મહિને અંદાજે 2000થી 2500 કન્ટેનર તથા દરરોજ આશરે 1500થી 2000 ટ્રક, ટ્રેલર અને અન્ય ભારે વાહનોની અવરજવર થાય છે. આટલી મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક અને પરિવહન પ્રવૃત્તિ હોવા છતાં આંતરિક રસ્તાઓની જર્જરિત સ્થિતિ, ખાડા, સ્ટ્રીટલાઈટો, પાણી પુરવઠો અને ડ્રેનેજ સહિતની સુવિધાઓના પ્રશ્નો ઉદ્યોગો માટે મુશ્કેલીરૂપ બન્યા છે. બિસમાર રસ્તાઓને કારણે વાહનોના જાળવણી ખર્ચમાં વધારો, માલસામાનની હેરફેરમાં વિલંબ અને અકસ્માતનું જોખમ ઊભું થાય છે, જે ઉત્પાદન તથા નિકાસની સમયમર્યાદા પર પણ અસર કરી રહ્યું છે.