હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 10 : આજે આસો નવરાત્રિનાં પ્રથમ
નોરતે મા આદ્યશક્તિની આરાધના સાથે જ દર વર્ષે 11મી ઓક્ટોબરે ઊજવાતા આંતરરાષ્ટ્રીય કન્યા બાળ દિવસની પણ વિશ્વભરમાં
ઉજવણી કરાશે, પરંતુ આ દિવસ માત્ર ઉત્સવ
મનાવવાનો નથી, પણ આપણી સંકુચિત માનસિકતા સામે અરીસો ધરવાનો છે.
એક તરફ આપણે નવ દિવસ `યા દેવી સર્વ
ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા' ની સંસ્કૃતિ
સાથે દેવીની પૂજા કરીએ છીએ અને બીજી તરફ દીકરીઓના જન્મદરમાં થઈ રહેલો ઘટાડો એ સત્ય
દર્શિત કરે છે કે, સમાજ આજે પણ દીકરીને જન્મ આપતા અચકાય છે.જિલ્લા
આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ 2025ના અંત સુધીમાં કચ્છના વિવિધ તાલુકાઓમાં કુમાર અને કન્યાના જન્મદર
દર્શાવતી માહિતી આપી હતી એ પ્રમાણે વર્ષ 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 21,603 કુમાર સામે 20,059 કન્યાના જન્મદરની નોંધણી થઈ છે, તો વર્ષ 2024માં આ સંખ્યા અનુક્રમે 22359 અને 20957 થઈ હતી તો 2023માં 23378 કુમાર અને 21936 કન્યા. આમ કચ્છમાં વર્ષ 2023માં દર 1000 કુમારે 938 કન્યાનો જન્મદર નોંધાયો હતો, જે 2024માં આંશિક ઘટીને 937, તો 2025માં 929ના આંક સાથે વધુ નીચે ગયો છે
ભુજમાં 2023ના 918થી વધીને 2024માં 934 થયેલો રેશિયો 2025માં ફરી ઘટીને 930 થયો છે. માંડવીમાં 905થી વધીને 915 થયા બાદ 898 થયો છે. ગાંધીધામમાં 2025માં 929નો રેશિયો નોંધાયો છે. આમ, દરેક તાલુકામાં સ્થિતિ એકસરખી નથી, પરંતુ જિલ્લાનો એકંદર રેશિયો સતત બે વર્ષથી નીચો રહ્યો છે. - લખપતમાં જ રેશિયો વધુ : તાલુકાવાર આંકડાનું ચિત્ર જોઈએ, તો 2025માં લખપત તાલુકામાં દર હજાર કુમારે 1048 કન્યાનો જન્મ નોંધાયો છે, જે જિલ્લામાં સૌથી ઊંચો રેશિયો છે. - તાલુકાવાર ઉતાર-ચઢાવ : છેલ્લા ત્રણ વર્ષના આંકડાની સરખામણી કરીએ, તો કેટલાક તાલુકામાં કન્યા જન્મદરમાં સુધારો
તો ક્યાં ઘટાડો નોંધાયો છે. ભચાઉમાં 945થી વધીને 2025માં 963 થયો છે અંજારમાં 924થી વધીને 933, તો બીજી તરફ નખત્રાણા મુંદરા
અને રાપરમાં ઘટાડો નોંધાયો છે. - ભુતકાળની
સ્થિતિ : કચ્છમાં 2018 -19માં કન્યા જન્મદર માત્ર 898 નોંધાયો હતો, જે 2021 અને 22માં વધીને
959 સુધી પહોંચ્યો હતો. 2011માં કચ્છમાં કન્યા જન્મદર 907 હતો, તો 13 વર્ષમાં સુધારો નોંધાયો છે,
પણ બે દાયકા પૂર્વે રેશિયો જોઈએ, તો 2001માં આ રેશિયો 952 જેટલો નોંધપાત્ર પણ હતો. ક્યાંક
દરમાં થયેલો વધારો સામાજિક દૃષ્ટિકોણમાં સુધારો દર્શાવી રહ્યો છે તેમ છતાં ચિંતાજનક
સ્થિતિ છે. - પરિવર્તન સંતોષજનક નહીં : સમય બદલાયો
છે, લોકોની માનસિકતા પણ બદલાઈ રહી છે. એક જ સંતાનની
ઇચ્છા રાખતાં અનેક દંપતીઓ હવે દીકરો કે દીકરીના લિંગભેદને બદલે સ્વસ્થ બાળકના જન્મને
પ્રાથમિકતા આપે છે. દીકરીને દત્તક લઈને તેને પરિવારનો પ્રેમ અને ઉછેર આપતાં પરિવારોની
સંખ્યા પણ નોંધપાત્ર અને પ્રશંસનીય છે. તેમ છતાં, આજે પણ ક્યાંક
ત્રણ-ચાર પુત્રી સંતાન પ્રાપ્ત થયા બાદ પણ પુત્રપ્રાપ્તિની ઝંખના રહે છે. કન્યા જન્મદરના
આંકડાકીય માહિતી દર્શિત કરે છે કે, સમાજના એક વર્ગમાં પુત્રમોહની
માનસિકતા હજુ પણ યથાવત્ છે, ત્યારે દીકરીના જન્મને સહજતાથી સ્વીકારવો
તથા કન્યા જન્મને પ્રોત્સાહન આપવું આજે પણ એટલું જ જરૂરી છે. - સરકારી યોજના અંગે : કન્યાઓને
પ્રોત્સાહન આપવા માટેની યોજના અંગે માહિતી આપતા એચડીએચઓ ડો. અમીન અરોરા જણાવ્યું હતું
કે, બેટી વધાવો યોજના અંતર્ગત દીકરી યોજના અમલી
બની છે, જેમાં એક બાળકી પછી કુટુંબ નિયોજન અપનાવે, તો રૂપિયા 6,000 બચત પત્રક
મળે છે અને જો બે બાળકી પછી નસબંધી કરાવે, તો 5,000 બચત પત્રક
મળે.