• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

રામબાગથી સુંદરપુરી મુખ્ય લાઈનમાં 30થી વધુ લીકેજ

ગાંધીધામ, તા. 10 : રામબાગ પાણીના ટાંકાથી સુંદરપુરી ટાંકા સુધી આવતી અને અલગ અલગ 14 વિસ્તારમાં પીવાનાં પાણીની જીવાદોરી સમાન ડીઆઈ કાસ્ટન લાઈનમાં 30થી વધુ લીકેજ છે, જેના કારણે દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદો પણ વધી છે. 135 કરોડના ખર્ચે બનનારા રિંગરોડ કોન્ટ્રાક્ટરે પણ અનેક જગ્યાએ લાઈન તોડી નાખી હતી તેમણે મરંમત શરૂ કરી છે, પરંતુ આ લાઇનની સ્થિતિ અત્યંત ખરાબ છે. કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું છે, પણ આ લાઈન બાબતે નિર્ણય લેવો જરૂરી છે.  ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોના લગભગ પાંચ લાખ લોકોને ફિલ્ટર વગરનું પીવાનું પાણી વિતરણ થઈ રહ્યું છે, તેવામાં લાઈનોમાં રહેલી લીકેજોથી લોકોનાં ઘરના નળમાં પીવાનું પાણી દૂષિત પહોંચી રહ્યું છે. કોર્પોરેશનને ફરિયાદો મળે છે એટલે વિભાગ દ્વારા લીકેજ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ મુખ્ય લાઈનોમાં લીકેજો માથાંના દુ:ખાવા સમાન બની છે. ખાસ કરીને અલગ અલગ કામગીરીઓ દરમિયાન કોન્ટ્રાક્ટરોએ પીવાના પાણીની લાઈનોને વ્યાપક નુકસાન પહોંચાડયું છે, જેને કારણે લાઈનોની સ્થિતિ ખરાબ થતી જાય છે. રામબાગ પાણીના ટાંકાથી સુંદરપુરી પાણીના ટાંકા સુધી આવતી ડીઆઈ કાસ્ટન લાઈન તેમજ સિમેન્ટની લાઈનમાં અસંખ્ય લીકેજ છે. 30થી વધુ લીકેજ તો નજર સમક્ષ છે. આ ઉપરાંત પણ અનેક જગ્યાઓ ઉપર લાઈન લીકેજ છે. અહીં દબાણ હતાં તે વખતે લાઈન તોડીને તેમાંથી સીધાં પાણીનાં જોડાણો લેવામાં આવ્યાં હોવાનું બહાર આવ્યું છે. દબાણ હટયા પછી લીકેજો સામે આવતાં મરંમતની કામગીરી શરૂ કરી છે, પરંતુ હજુ આ લાઈનમાં અસંખ્ય લીકેજ છે.  રિંગરોડના કોન્ટ્રાક્ટરે ખોદકામ શરૂ કરતાં લાઈનને નુકસાન પહોંચ્યું હતું અને લીકેજ થયા હતા, તંત્રના કહેવા મુજબ તે કોન્ટ્રાક્ટર લાઈનની મરંમત કરે છે. આ ઉપરાંત અનેક જગ્યાએ  લીકેજ છે, લાઈનની સ્થિતિ ખરાબ છે, જીયુડીસીની લાઈનો કાર્યરત થાય, તો આ લાઈન બંધ કરીને નવી લાઈનોમાંથી પાણી સપ્લાય શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે, પરંતુ જીયુડીસી લાઈનો કાર્યરત કરાતી નથી, પરિણામે આ લીકેજ લાઈનમાંથી પાણી વિતરણ કરવું પડે જ છે. આગામી સમયમાં  પાણી સપ્લાય બંધ કરીને લાઈનની મરંમત કરાશે તેમ ચેરમેન તેજસ  શેઠે જણાવ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd