• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

એકજ દિ'માં સવા લાખે દેશદેવીનાં દર્શન કર્યાં

માતાના મઢ (તા. લખપત), તા. 10 : કચ્છની દેશદેવી મા આશાપુરાનાં દર્શનાર્થે શનિવારે પરોઢે માઇભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડતાં મંદિરના કપાટથી હાઇવે સુધી લાંબી કતારો લાગી હતી. સરકારી તંત્રના આગોતરા આયોજને થાપ ખાધી હોય તેમ સવારે 11થી 1 વાગ્યા સુધી પીવાનાં પાણીની ખેંચ ઊભી થતાં ટેન્કર દોડાવવાં પડયાં હતાં. ભાદરવાની અમાસે રાત્રે 9.30 કલાકે આસો નવરાત્રિની ઘટસ્થાપન વિધિ બાદ આદ્યશક્તિની આરાધનાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. મા આશાપુરાના મઢે અમાસના અંદાજે સવા લાખથી વધુ માઇભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવ્યાં હતાં. શ્રાદ્ધ પક્ષના છેલ્લા પાંચ દિવસમાં ત્રણ લાખથી વધુ ભાવિકો માતાજીનાં દર્શન કરી ચૂક્યા છે તેવો અંદાજ મઢ જાગીરના મેનેજર મયૂરસિંહ જાડેજાએ આપ્યો હતો. બીજીબાજુ અનેક પદયાત્રીઓને પૂછતાં તેમણે કહ્યું કે, દર વર્ષની સંખ્યા કરતાં આ વર્ષે પદયાત્રીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે મઢથી નખત્રાણા વચ્ચે પદયાત્રીઓની સંખ્યા વધારે જોવા મળી રહ છે. નખત્રાણાથી ભુજ વચ્ચે એકલ-દોકલના સમૂહમાં પદયાત્રી જોવા મળી રહ્યા છે. આ પદયાત્રીઓ મોટાભાગે કચ્છ બહારના છે. કચ્છના માનતાધારી પદયાત્રી નવરાત્રિમાં પોતાની પદયાત્રા શરૂ કરશે તેવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. દર વર્ષે ભુજ, અંજાર, માંડવી, અબડાસા તાલુકાના પદયાત્રી પાંચમા નોરતેથી સાતમ સુધી મઢ પહોંચે છે. આસો નવરાત્રિના પ્રારંભ પહેલાં સરકારી તંત્રને હાંફ ચઢી હોય એવું અનેક યાત્રીઓ કહી રહ્યા છે. શનિવારની સવારના 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી મઢમાં પાણીની ખેંચ ઊભી થઇ હતી. મઢના મેગા કેમ્પમાં જી.એમ.ડી.સી.એ ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડયું હતું. લખપત તાલુકાને રોજનું 15 એમ.એલ.ડી. પાણી અપાય છે અને પ્રાંત અધિકારીની મિટિંગમાં વધુ 15 એમ.એલ.ડી. આપવા પણ જણાવાયું હતું. જો સૂચના મુજબ પાણી મળતું હોય તો આજે બે કલાક માટે પીવાનાં પાણીની ખેંચ શા માટે પડી શકે તેવા પ્રશ્ન ઊઠી રહ્યા છે. પાણી પુરવઠાના અધિકારી શ્રી પ્રજાપતિનો આ બાબતે ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરતાં નેટવર્ક ઇસ્યૂના કારણે સંપર્ક થઇ શક્યો નહોતો. નખત્રાણા પ્રાંત હસ્તકના રૂપરાઇ તળાવ તેમજ પાર્કિંગ પ્લોટમાં અદ્યતન બનાવેલા શુલભ શૌચાલય પાણીના તેમજ લાઇટના જોડાણના અભાવે છેલ્લા બે વર્ષથી ઉપયોગમાં લેવાતા નથી. ગુજરાત પ્રવાસન બોર્ડ દ્વારા બનેલા રૂપરાઇ તેમજ પાર્કિંગ પ્લોટમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. દરમ્યાન, આજે મોડીસાંજે પાણી સહિતની પરિસ્થિતિ અંગે પ્રાંત અધિકારી શ્રી ઉત્સવ ઉજ્જવલ, મામલતદાર, સરપંચ, ટ્રસ્ટી ખેંગારજી જાડેજા વગેરેની બેઠક યોજાઇ હતી જેમાં નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd