નખત્રાણા, તા. 13 : નેત્રા હાઇસ્કૂલમાં અભ્યાસાર્થે
જતા રામપર (સરવા) અને ખીરસરા (નેત્રા)ના છાત્રોને છેલ્લા નવ વર્ષથી અનિયમિત ભુજ-નારાયણ
સરોવર વાયા બસની લાંબા સમયથી કરાતી ફરિયાદોનો ઉકેલ ન આવતાં આખરે રવિવારે વાલી મંડળની
આગેવાનીમાં નેત્રાથી નખત્રાણા એસ.ટી. ડેપો સુધીની પદયાત્રા નીકળી હતી જે ટોડિયા સુધી
પહોંચતાં જાગેલા એસ.ટી. તંત્ર દ્વારા જવાબદારો સામે પગલાં લેવાની લેખિત ખાતરી આપતાં
સમાધાન થયું હતું. એસ.ટી. તંત્રની બેદરકારીએ ભુજથી ના.સરોવર ચાલતી રૂટની આવશ્યક સેવા
બસની અનિયમિતતા, રૂટ રદ કરવા સહિતની સમસ્યાથી
ત્રસ્ત નેત્રા તથા આજુબાજુના ગામના લોકો-ખાસ કરીને વિદ્યાર્થીઓ, દર્દી, વેપારીઓ ત્રસ્ત થઇ ગયા, જેને પગલે આજે નેત્રાથી નખત્રાણા મોટી સંખ્યામાં પહોંચી એસ.ટી. તંત્રને લેખિત
પત્ર સુપરત કર્યો હતો. ખાસ કરીને પગપાળા આયોજનમાં નેત્રાની સારસ્વતમ સંચાલિત હાઇસ્કૂલના
વિદ્યાર્થીઓ જોડાતાં તેની અસરથી એસ.ટી. તંત્રએ માગણીને સ્વીકારી ભુજ-ના. સરોવર બસ નિયમિત
ચલાવવા તથા જવાબદાર ડેપો મેનેજરને આવતીકાલે 14 તારીખે સસ્પેન્ડ કરવા ખાતરી આપવામાં આવતાં મામલો સંકેલાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા સંકલનની દરેક બેઠકમાં નખત્રાણા એસ.ટી. તંત્રની ક્ષતિઓ
અંગે રજૂઆત આવતી હતી, પણ જવાબદાર
મેનેજરની ગેરહાજરી વર્તાતી હતી. આ રેલીમાં નેત્રાના સરપંચ બહાદુરસિંહ જાડેજા,
વાલી મંડળના પ્રમુખ ઇકબાલ ખત્રી, ઉપપ્રમુખ જ્યોતિબેન
પટેલ, વિદ્યાર્થી આગેવાન શિવજી સીજુ, લક્ષ્મીપરના
સરપંચ ઓસમાણ સુમરા, રામપરના સરપંચ ઇશ્વરભાઇ ગઢવી, રસલિયાના સરપંચ જયંતીભાઇ પરમાર, અગ્રણીઓ મામદભાઇ કુંભાર,
ઓસમાણભાઇ સાટી, હારુનભાઇ કુંભાર, ટોડિયાના સુરુભા સહિત આ વિસ્તારના યુવાનો, આગેવાનો અને
મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ટોડિયા પાસે સમાધાન માટે એસ.ટી.ના ભુજથી વિભાગીય
નિયામક એન. એસ. પટેલ, ટીડીઓ વિપુલ ચૌધરી, નખત્રાણા એસ.ટી. ડેપો મેનેજર એન. પી. ગોસ્વામી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ
પહોંચ્યા હતા. દરમિયાન સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ રૂટની બસ હવે નખત્રાણા ડેપો
મારફતે ચલાવાશે. સમાધાન સમયે નખત્રાણા પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં હાજર રહ્યો હતો.