ભુજ, તા.13 : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે
ભુજ ખાતે યોજાયેલી ચેરિયા સંરક્ષણ, પુન:સ્થાપન અને સતત વ્યવસ્થાપન
પરની વર્કશોપને સંબોધતાં દરિયાકાંઠાની જૈવવિવિધતા, મત્સ્યોદ્યોગ,
દરિયાકાંઠાના રક્ષણ, આબોહવા સ્થિતિસ્થાપકતા અને
આજીવિકા માટે ચેરિયાના મહત્વને ધ્યાનમાં રાખીને ચેરિયાને જીવંત ઇકોસિસ્ટમ તરીકે સંરક્ષીત
કરવા પર ભાર મુક્યો હતો શ્રી યાદવે કચ્છ ગુજરાતમાં ચેરિયા સંરક્ષણ માટે કરાયેલી કામગીરીને
બીરદાવી હતી. - રાજ્ય સરકારની
પ્રતિબદ્ધતા : વર્કશોપમાં
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા
પરિવર્તન અને વિજ્ઞાન અને ટેકનોલોજી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને ગુજરાત સરકારના
ઉચ્ચ અને તકનીકી શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ
છાંગાએ પણ હાજરી આપી હતી બંન્ને મંત્રીઓએ મિષ્ટી હેઠળ મેન્ગ્રોવ સંરક્ષણ અને દરિયાકાંઠાના
ઇકોસિસ્ટમ પુન?સ્થાપન માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુન:રોચ્ચાર
કર્યો હતો. રાજ્ય વન વિભાગના ડો જયપાલસિંહ
દરિયાઈ પર્યાવરણ આધારિત આજીવીકા વિકાસની કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યું હતું મિષ્ટી
(મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇનકમ્સે) કાર્યક્રમ હેઠળ
ગુજરાતના મેન્ગ્રોવ સંરક્ષણ પ્રયાસોની સમીક્ષા કરતા, યાદવે પુન:સ્થાપન, વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, સમુદાયની ભાગીદારી અને ટેકનોલોજી-સક્ષમ
દેખરેખ પરના ભારની નોંધ લીધી હતી. - મેન્ગ્રુવ પુન:સ્થાપનમાં અનુકુળ પ્રગતિ : શ્રી યાદવે
માહિતી આપી હતી કે મિષ્ટી હેઠળ, ગુજરાતે
મેન્ગ્રોવ પુન?સ્થાપનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેમાં 2023-27 ના
29,250 હેક્ટરના લક્ષ્યાંક સામે 27,652 હેક્ટર આવરી લેવામાં આવ્યા
છે, જેમાં પર્યાવરણીય રીતે પડકારરૂપ કોરી ક્રીક
વિસ્તારમાં 12,450 હેક્ટરનો
સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે કચ્છની પરિસ્થિતિઓને અનુકૂળ સ્થળ-વિશિષ્ટ પુન?સ્થાપન તકનીકો અપનાવવામાં આવી છે, સાથે જ જૈવવિવિધતા વૃદ્ધિ, સીવીડની ખેતી અને સતત આજીવિકા
માટેના પગલાં પણ લેવામાં આવ્યા છે. - કોફી ટેબલ બુકનું વિમોચન : આ પ્રસંગે શ્રી યાદવે `કોફી ટેબલ બુક ઓન કચ્છ મેન્ગ્રોવ્સ' અને 'મેન્ગ્રોવ્સ એટલાસ
ઓફ ગુજરાત' બહાર પાડ્યા હતા, અને મેન્ગ્રોવ
જીઆઈએસ પોર્ટલ લોન્ચ કર્યું હતું, અને જણાવ્યું હતું કે આનાથી
સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન-આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા અને મેન્ગ્રોવ આવાસની દેખરેખ
મજબૂત થશે. શ્રી યાદવે ગુનેરી ઇનલેન્ડ મેન્ગ્રોવ વિલેજ બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીનું
સન્માન પણ કર્યું હતું, જેણે ગુનેરીના આંતરદેશીય મેન્ગ્રોવ્સ-
દરિયાકાંઠાથી દૂર સમૃદ્ધ થતી એક વિરલ ઇકોસિસ્ટમના સતત સમુદાય-સંચાલિત સંરક્ષણની સરાહના
કરી હતી. તેમણે નોંધ્યું હતું કે તેને જાન્યુઆરી 2025માં ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી
હેરીટેજ સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી હતી. - અગ્રણીઓની ઉપસ્થિતિ : વર્કશોપમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને ગુજરાત
વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ કચ્છમાં મેન્ગ્રોવ પુન:સ્થાપન અને દરિયાકાંઠાની આજીવિકા
પહેલોમાં રોકાયેલા વૈજ્ઞાનિકો, સંરક્ષણવાદીઓ અને સ્થાનિક સમુદાયોના
પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, જિ.ભાજપ પ્રમુખ દેવજીભાઈ
વરચંદ, રાજ્ય વન વિભાગના
ડો.જયપાલસિંહ, મુખ્ય
વન સંરક્ષક ધીરજ મિત્તલ, પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક
હર્ષ ઠક્કર, ધારાસભ્યોમાં પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી સહિત ઉપસ્થિત રહ્યા હતા.