ભુજ, તા. 13 : બંગાળની ખાડીમાં સર્જાયેલા
હવાનાં હળવા દબાણ સહિતની ચાર અલગ-અલગ સિસ્ટમના પ્રભાવથી કચ્છનાં વાતાવરણમાં બે દિવસથી
પલટો આવ્યો છે. ભાદરવી તાપના આકરા પ્રભાવ વચ્ચે રવિવારે જિલ્લામાં સાર્વત્રિક હળવાં
ઝાપટાંથી લઇ દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે સોમ અને મંગળવારે ભારે
વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. અછતના મંડરાતાં સંકટ વચ્ચે વરસેલી મેઘકૃપાએ રામમોલને
જીવતદાન આપ્યું છે. 37 ડિગ્રી સાથે
રાજ્યમાં સૌથી વધુ અકળાયેલા ભુજમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. જો કે, વરસાદ વરસવાની આશા ફળીભૂત થઇ નહોતી. - નખત્રાણામાં અડધોથી પોણો ઇંચ
: ચોમાસાના આરંભમાં નખત્રાણા તાલુકામાં ચારેક
ઇંચ જેટલા વરસેલા વરસાદ બાદ બંગાળની ખાડીમાં ઉદભવિત લો પ્રેશરની અસરથી આજે સવારથી ગરમી-ઉકળાટ
બાદ પંથકના અનેક ગામોમાં ગાજવીજ સાથે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના પ્રારંભમાં શુકનિયાળ
અડધાથી પોણો ઇંચ વરસાદ થતાં લોકોમાં વધુ વરસાદની આશાનો સંચાર થયો હતો. ઉગેડીના સરપંચ
કરણભાઇ રબારીએ વરસાદના વાવડ આપતાં જણાવ્યું હતું કે,
બપોર પછી ઉગેડી, દેશલપર, આમારા, મોરાય, રતડિયા ગામોમાં ગાજવીજ
સાથે અડધોથી પોણો ઇંચ વરસાદ વરસતાં ખેતી મોલ તથા સીમાડાના ઘાસચારાને જીવન મળ્યું છે.
મુરૂથી મોહન મારાજે ટોડિયા, ખોંભડી, રસલિયાથી
નેત્રા સુધી સમગ્ર પટ્ટીમાં પણ પોણો ઇંચ હેત વરસ્યાનું જણાવ્યું હતું. અત્યારે લખાય
છે ત્યારે ઝરમર વરસાદ ચાલુ છે. વિગોડી-રવાપરમાં પણ ઝાપટાં વરસ્યાં છે. નખત્રાણાના દક્ષિણ-પૂર્વ
પટ્ટીમાં ઝરમર છાંટા પડયા છે. મોટી વિરાણીથી પાવરપટ્ટી તરફના વિસ્તારમાં આજે કડાકા-ભડાકા
સાથે વરસાદની શરૂઆત થઇ હતી. રવાપરમાં ભારે ઝાપટું વરસતાં જોશભેર પાણી વહી નીકળ્યાં
હતાં. - મુંદરામાં ઝાપટું : બંદરીય મુંદરા
શહેરમાં બફારા બાદ સાંજે ઝાપટું વરસ્યું હતું. સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
બપોર બાદ સાંજે સવા છના અરસામાં મેઘરાજાનું આગમન થયું હતું. વીજળીના ચમકારા પણ જોવા
મળ્યા હતા. આવતીકાલે સોમવારથી ગણપતિ ઉત્સવ શરૂ થશે,
જેની પૂર્વસંધ્યાએ મેઘરાજાએ ધીમીધારે હાજરી પુરાવતાં વાતાવરણમાં આકરા
બફારા બાદ ઠંડક પ્રસરતાં શહેરીજનો ખુશ થયા હતા. તાલુકાના ફાચરિયા, ઝરપરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝાપટાં વરસ્યાના અહેવાલ છે. - લુડવામાં દોઢ ઇંચ : લુડવામાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ
નોંધાયો હતો, જેથી ઠંડક પ્રસરી હતી અને
આ વરસાદથી ખેડૂતોના ઊભા મોલને જીવતદાન મળશે
તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. માંડવીના ત્રગડીમાં સાંજે ગાજવીજથી ઝાપટાંરૂપે વરસાદ
પડતાં ઊભા મોલને ફાયદો થશે તેવું લાંગાય હાજી અબ્દુલાએ જણાવ્યું હતું. ગાંધીધામ બ્યૂરોના
અહેવાલ અનુસાર ગાંધીધામ સંકુલમાં રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો
અને ગર્જના સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે લોકોએ વરસાદી
ઝાપટાંનો આનંદ માણ્યો હતો. ભારતનગર સહિતના વિસ્તારોમાં શેરી ગલીઓમાં બાળકોએ વરસાદની
મજા લીધી હતી અને પાણી સાથે રમ્યા હતા.પરંતુ આ વરસાદી ઝાપટાં પછી વાતાવરણમાં ઠંડક પ્રસરવાના
બદલે ઉકળાટ વધ્યો છે. જે રીતે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો તે જોતાં ધોધમાર વરસાદ પડશે
તેવી આશા હતી પરંતુ માત્ર વરસાદી ઝાપટું જ પડ્યું હતું. વરસાદ પડવાની આગાહી છે તેવામાં
આજે સોમવારે વરસાદ પડશે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે. આ સિઝનમાં ધીમીધારે અને
ઝાપટાં સ્વરૂપે લગભગ 6 મિ.મી.ની
આસપાસ વરસાદ નોંધાયો છે. - કોડાય પંથકમાં
ઝરમર : ગાજવીજ સાથે આજે સાંજે કોડાય પંથકમાં મેઘરાજાની
પધરામણી થઇ હતી. કોડાય, પિયાવા,
જખણિયા, તલવાણા, બિદડા,
મદનપુરા, રાયણ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડયો
હતો. વરસાદના આગમનથી ખેડૂતો અને પશુપાલકોમાં સારા વરસાદની આશા બંધાઇ છે. - અબડાસામાં ઝરમર વરસાદથી ઠંડક
પ્રસરી : અબડાસા તાલુકામાં મોડીસાંજે વાતાવરણમાં
અચાનક પલટો આવ્યો હતો અને વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતાં માર્ગો
ભીના થઈ ગયા હતા. તાલુકા મથક નલિયા ખાતે સાંજના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયાં
હતાં અને વીજળીના ચમકારા સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. કોઠારા પંથક અને આસપાસના ગ્રામ્ય
વિસ્તારોમાં પણ મેઘાવી માહોલ વચ્ચે ઝાપટાં નોંધાયાં હતાં. ઐડા, હરિપર, બુટા, વલસરા અને રામપર અબડા, મોટી બેર, અકરી સહિતનાં ગામોમાં વરસાદી છાંટા પડતાં વાતાવરણમાં અચાનક આહલાદક ઠંડક પ્રસરી
ગઈ હતી. ભલે વરસાદ ધોધમાર ન હતો, પરંતુ આકાશમાં બનેલા ઘનઘોર વરસાદી
માહોલ અને અસહ્ય ઉકળાટ બાદ પડેલા ઝાપટાંનાં કારણે આગામી સમયમાં વધુ ભારે વરસાદ પડે
તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. - માંડવીમાં ધરતી પલળી : આંખે તારા આવે તેમ ભરચોમાસે તરસાવી રહેલા મેઘરાજાએ સંવેદનાનો
સ્વીકાર કર્યો હોય એમ આજે શહેરમાં સાંજ સુધીમાં 6 મિ.મી.નું હળવું ઝાપટું વરસાવી ધરતીને પલાળી હતી. ગાજવીજના કડાકા-ભડાકાનો
માહોલ ખડો કર્યા પછી ગાજ્યો એવો હજુ સુધી રિઝ્યો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં મળેલી જાણકારી
પ્રમાણે ભુજ પટ્ટી ઉપર પ્રમાણમાં વધારે હેત
વરસાવ્યું છે. લક્કીવાળી ચાડી આસપાસ જમાવટના વાવડ મળ્યા હતા. ખૂબ મોડા અમીછાંટણા થકી
કપાસને નુકસાન, જ્યારે મગફળી, એરંડાને ફાયદો થાય તદુપરાંત મૂંગા જીવો માટે ઘાસચારાની આશા ઉદ્ભવી છે. શહેરના
કન્ટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્રભાઈ સલાટે આપેલી વિગતો પ્રમાણે સંધ્યા લગી 6 મિ.મી. સાથે મોસમનો એકંદરે આંકડો 81 મિ.મી. અંકિત થયો હતો. માહોલ, ઉકળાટ જોતાં રાત સુધરે તેવા અણસાર છે. મોટા
આસંબિયાથી ભરતસિંહ જાડેજાએ આપેલી જાણકારી પ્રમાણે નાના-મોટા આસંબિયા, પુનડી, કોજાચોરા, ગોણિયાસર વગેરે
પંથકમાં પાંચ-સાત મિ.મી.ના છાંટણા થતાં મગફળી, એરંડા જેવા પાકને
થોડો ફાયદો, જ્યારે કપાસને નુકસાન થશે. `વડર છણ્યો આય !' ગુંદિયાળીથી ભગવાનજી બોડાએ આપેલી વિગતો પ્રમાણે
`બળૂકો ઝાપટો હો.' થોડા પાણી વહી નીકળ્યા. હાલ પૂરતું દર્દનાશક
ઈન્જેક્શન મળી ગયું છે. વધુ મહેર થાય તો ધરતી અને ધરતીપુત્રોના ચહેરા ચમકે,
ખેતરોમાંથી પાણી વહેવા જરૂરી-અપેક્ષિત છે. ગુંદિયાળી, મસ્કા, બાગ, ત્રગડી, નાના ભાડિયા, મોઢવા પંથકમાં ધરતી પલળી છે. બિદડાથી ભરતભાઈ
સંઘારના વાવડ મુજબ બિદડા, તલવાણા, નાની
ખાખર, પીપરી વગેરે વિસ્તારમાં અમીછાંટણા થતાં માથે હાથ ધરીને
હતાશ ખેડૂતોમાં આશા બરકરાર રહી છે. ગોધરાથી શબ્બીર સલીમ ચાકીએ કહ્યંy હતું કે,
ખાડા-ખાબોચિયા થોડા ભરાયા. ફરફર છાંટા છે. જમાવટ નથી. ગોધરા,
મેરાઉ, ડોણ, લાયજા,
દુર્ગાપુર વગેરે વિસ્તારમાં હળવા ઝાપટાંરૂપે ધરતીના ધણીએ હાજરી પૂરાવી
છે. ભુજ-માંડવી રસ્તે લક્કીવાળી ચાડી, ખત્રી તળાવ, દહીંસરા, ધુણઈ, પુનડીવાળી લાઈનમાં
પ્રમાણમાં જોર વધારે અનુભવાયું હોવાનું ડો. ફારુખ ઈસ્માઈલ જતે જણાવ્યું હતું. સમગ્રતયા
ભુખનું દુ:ખ વેઠતા પશુઓ માટે ઘાસચારા થોડા નસીબ થાય એવો સૂર સંભળાયો હતો. - મોટી વિરાણી, સુખપર, વાંઢ, રામેશ્વર, ગડાપોઠામાં પોણો ઈંચ વરસ્યો : નેત્રા, લક્ષ્મીપર, બાડિયા,
બાડિવારા વિસ્તારમાં એક કલાકમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ પડયો હતો. બાડિયારાના મામદ સંગારે દોઢ ઈંચ વરસાદ પડયાના સમાચાર આપ્યા
હતા. દેશલપર (ગુંતલી), મુરુ, જીંજાય વિસ્તારમાં
પણ વરસાદનું જોર જોવા મળ્યું હતું. - વાગડમાં આશા બંધાઈ : લાંબા વિરામ બાદ આખો શ્રાવણ કોરો ગયા બાદ આજે સવારથી જ અસહ્ય
ઉકળાટ અને મેઘાડંબર વચ્ચે વાગડમાં મેઘરાજાએ ક્યાંક ઝાપટાં, તો ક્યાંક અમીછાંટણા વરસાવી આગમનનાં એંધાણ આપ્યાં
હતાં. ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને મોડી તો મોડી, પણ મેઘમહેર થવાની આશા બંધાઈ હતી. રાપર
તાલુકાના આડેસર, ફતેહગઢ વગેરે ગામોમાં વરસાદી ઝાપટાં પડયા હોવાનું
આડેસરથી ખેંગાર પરમારે જણાવ્યું હતું. બેલામાં બપોરે સાડા ત્રણ વાગ્યે પવન સાથે વરસાદી
ઝાપટાં પડતાં મૂરઝાતા મોલને જીવતદાન મળ્યું હોવાનું બેલાથી ભૂપતાસિંહ વાઘેલાએ જણાવ્યું
હતું. પદમપર, ફૂલપરાવાંઢ, રવ સહિતનાં ગામોમાં
વરસાદી ઝાપટાં પડયા હોવાનું જાણવા મળ્યું હતું.
રાપરમાં સવારે એક તો લાઈટનો કાપ હતો, એમાં સવારથી જ વાદળછાયા
વાતાવરણ વચ્ચે સખત ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા, ત્યાં
બપોરે ત્રણ વાગ્યાથી સાંજ સુધી ઝરમરિયો વરસાદ પડયો હતો. વાતાવરણ અને ઉકળાટ જોતાં વરસાદ
આવે તેવી શક્યતા રહે. - માતાના મઢમાં
પધરામણી : હવામાનની આગાહીના પગલે આજે સંધ્યા સમયે
યાત્રાધામ માતાના મઢે ગાજવીજ સાથે 15થી 20 મિનિટ સુધી
વરસાદ પડયો હતો. સિઝનમાં પહેલી વખત અહીંના લોકોએ ગાજવીજ સાથે વરસાદ જોતાં લોકોમાં આનંદ
ફેલાયો હતો. આ વરસાદથી પશુપાલકો, માલધારી
તેમજ ખેડૂતોમાં આશાનાં કિરણ જોવા મળ્યાં હતાં. આ લખાય છે ત્યાં સુધી લખપત તાલુકામાં
માત્ર માતાના મઢમાં વરસાદ પડયો છે. બાકીના વિસ્તારમાં હજી સારા વરસાદની રાહ જોવાઈ રહી
છે.