• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

શિણાયની ચાર સોસાયટીમાં ગટરમિશ્રિત પાણીથી મુશ્કેલી

ગાંધીધામ, તા. 16 : ગાંધીધામ-આદિપુર શહેર ઉપરાંત તાલુકાના 11 ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ કરીને ગાંધીધામ મહાનગરપાલિકા બનાવવામાં આવી છે. દોઢ વર્ષ બાદ પણ ગાંધીધામ-આદિપુરમાં અનેક સમસ્યાઓની ભરમાર છે, ત્યારે નવા સમાવિષ્ટ થયેલા ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યાઓ હજુ સુધી યથાવત્ જ રહેતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. આદિપુર-મુંદરા રોડ ઉપર શિણાય પાસે આવેલી ચાર જેટલી સોસાયટી વિસ્તારોમાં છેલ્લા કેટલાક  દિવસથી ગટરમિશ્રિત પાણીની સમસ્યા સર્જાઈ છે. રહેવાસીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, માનસરોવર સોસાયટી, શિવમ સોસાયટી અને આકાર-વન સહિત ચાર જેટલી સોસાયટીમાં આ સમસ્યા સર્જાઈ છે. લાંબા સમયથી સર્જાયેલી આ મુશ્કેલીથી રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આદિપુર-મુંદરા રોડ ઉપર આવેલાં નાળાંમાં ગટરનું પાણી વહે છે. નાળાંની બાજુમાં જ ગટરની ચેમ્બર અને પાણીના વાલ્વની ચેમ્બર આવેલી છે, તેના કારણે આ સમસ્યા સર્જાતી હોવાનું રહેવાસીઓ જણાવી રહ્યા છે. દૂષિત પાણીની સમસ્યાથી રહેવાસીઓને પાણીના ટાંકા સાફ કરાવવા પડયા હતા. મહાપાલિકા બન્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં સમસ્યા ઉકેલાશે, તેવી આશા લોકોને હતી, પરંતુ અહીં સમસ્યા ઉકેલાવાના બદલે વધી રહી હોવાનું લોકોએ રોષ સાથે જણાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd