• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ભાડે અપાયેલાં બેન્ક ખાતાંમાં ગેરકાયદે નાણાકીય હેરફેરનો પર્દાફાશ

ગાંધીધામ, તા. 16 :  ગરીબ અને મધ્યમવર્ગ સહિતના લોકોને બેન્ક ખાતાં આપવા સામે વળતર આપી, છેતરાપિંડી કરી મેળવાયેલા નાણાંની ગેરકાયદેસર  હેરફેર સહિતની પ્રવૃત્તિઓને અંજામ અપાતો હોવાનું સપાટી ઉપર આવ્યુ હતું. પૂર્વ સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ઓનલાઈન છેતરપિંડીનાં પ્રકરણમાં આઠ જણ સામે વિધિવત રીતે ગુનો નોંધીને પાંચ આરોપીની ધરપકડ કરી હતી. તહોમતદારોએ રૂા. 1.33 કરોડના ગેરકાયદેસર વ્યવહાર કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાને અંકુશમાં લાવવા અને બેન્ક ખાતાંઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિને નાથવા, સાયબર ગુનેગારોના નાણાકીય નેટવર્કને નાબૂદ કરવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ-2.0  શરૂ કરવામાં આવ્યું હતું. અંજારના અરજદાર હાર્દિક ઉદયભાઈ ભાટિયા(સરૈયા)એ આરોપી અને તેમના મિત્ર પાર્થ ચેતનભાઈ ઝાલા (રહે. ભાવેશશ્વરનગર-3,અંજાર)એ આજથી ત્રણેક માસ અગાઉ અરજદારને તેનાં બાકી લેણા પેટે પોતાના બેન્ક ખાતાં ભાડે માગ્યા હતાં. ખાતા ભાડે મેળવ્યા બાદ આરોપી પાર્થ પોતાના અંગત ફાયદા માટે રૂા. 20  હજાર વળતર મેળવીને અન્ય આરોપી બિન્ટુ રમેશભાઈ ઠક્કર (ગોવા)ને આપ્યા હતા. દરમ્યાન અરજદારને બેન્ક મારફતે નોટિસ મળી હતી. તપાસ દરમ્યાન આરોપી પાર્થે અરજદારના કચ્છ ડિસ્ટ્રક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ખાતામાં ઓનલાઈન ગેરકાયદેસર રૂા. 57,59,438  તથા ગુજરાત ગ્રામીણ બેન્ક  અંજાર શાખાના ખાતામાં ગેરકાયદેસર રૂા. 75,67,948 સાથે કુલ રૂા. 1,33,27,386ના ગેરકાયદેસસર નાણાકીય વ્યહાર કર્યા હોવાનું બહાર આવ્યું હતું. સાયબર પોલીસે આ અંગે મળેલી અરજીના આધારે તપાસના ચક્રો ગતિમાન કરી બિનઅનિકૃત નાણાકીય વ્યવહારના કારબોરનો પદાર્ફાશ કર્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસના અનિલભાઈ રતનશીભાઈ વાલાગોટે આરોપી પાર્થ ચેતનભાઈ ઝાલા, અશ્વિન ગોવિંદભાઈ કાનાણી, વશરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન જગદીશભાઈ વાંજા, વકાર હુશેન હોડા, કુલદીપ ઉર્ફે કિશન બારોટ, વત્સલ ઉર્ફે વિશાલ અનિલભાઈ ઠક્કર, પ્રિયાંક ઉર્ફે બિટુ શેઠ રમેશભાઈ પલણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસે  આરોપી કુલદીપ, વત્સલ, પ્રિયાંક પલણ સિવાયના તમામ આરોપીની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ અન્ય બેન્ક ખાતાધારકોનાં ખાતાઓ જુદા-જુદા કમિશન ઉપર મેળવતા હતા. ત્યારબાદ બેન્ક ખાતાંની કિટ અને જુદા જુદા મોબાઈલ સિમ લઈ લેતા હતા. કમિશન મેળવી અપાયેલાં તમામ ખાતાઓમાં બિનઅધિકૃત રીતે ગેરકાયદેસર નાણાં લેવડ-દેવડ માટે ઉપયોગ થતો હતો. આ પ્રકારે અપાયેલા વિવિધ બેંકના જુદા-જુદા 69  ખાતામાં તપાસ હાથ ધરાઈ હતી, જેમાં કુલ 127 ફાઈનાન્સિયલ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીઓ સાથે ઓનલાઈન રોકાણ, કોલર આઈડી, વેપાર રોકાણ, પાર્ટ ટાઈમ નોકરી, યોનો એપ્લીકેશન ફ્રોડ, વોટ્સએપ મેસેજ ઉપર એપીકે ફાઈલ મોકલી, મોબાઈલ ફોન હેક કરી સહિતના જુદા-જુદા છેતરપિંડીના બનાવોના નાણાં આ ખાતાઓમાં જમા થતાં હતાં તેમજ ઓનલાઈન સાયબર છેતરપિંડી તથા ઓનલાઈન ગેમિંગ, અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓની ફરિયાદ પણ જોવા મળી હતી.

Panchang

dd