• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

ખેડૂતોનું ફરી દિલ્હી કૂચનું એલાન

નવી દિલ્હી, તા. 16 : કિસાનોએ ફરી દિલ્હી કૂચનું એલાન કર્યું છે. ખેડૂત સંગઠનોની ખનૌરી દાતા સિંહવાલા બોર્ડરથી દિલ્હીના જંતર-મંતર સુધી શરૂ થનારી પદયાત્રાને લઈને જીંદ જિલ્લા પ્રશાસન અને પોલીસ પૂરી રીતે સજ્જ થઈ ગઈ છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નરવાના નહેર પુલ અને બોર્ડર વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોની આ પદયાત્રાને રોકવા અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારે પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે તેમજ સ્થળ પર કોંક્રિટના પાક્કા બેરિકેટ્સ, વોટર કેનન અને વજ્ર વાહનો પણ ખડકી દેવામાં આવ્યા છે. બિન-એસકેએમ ખેડૂત સંગઠનોની આ પદયાત્રાનું નેતૃત્વ અગ્રણી ખેડૂત નેતા જગદીશાસિંહ ડલ્લેવાલ કરી રહ્યા છે. આ યાત્રામાં 51 મુખ્ય ખેડૂતની સાથે આશરે 200 અન્ય ખેડૂત પણ પદયાત્રા કરશે. જે આગામી 29 ઓગસ્ટે દિલ્હીના જંતર-મંતર પહોંચવાના નિર્ધાર સાથે કૂચ કરશે. ખેડૂત નેતાઓના જણાવ્યા અનુસાર, આ યાત્રા આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂત શુભકરણની સ્મૃતિમાં કાઢવામાં આવી રહી છે. આ અંતર્ગત ખેડૂતોની લાંબા સમયથી રહેલી માગણીઓ ઉપરાંત ભારત-અમેરિકા ટ્રેડ ડીલ રદ કરવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે.

પોલીસ કૂચને રોકશે તો ધરણા અને દેખાવોની ચીમકી

પ્રશાસનની કડક નાકેબંદી વચ્ચે ખેડૂત નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો પોલીસ-પ્રશાસન દ્વારા યાત્રાને રોકવાનો કોઈ પણ પ્રયાસ કરવામાં આવશે, તો ખેડૂતો તે જ સ્થળ પર અનિશ્ચિતકાલીન ધરણા અને પ્રદર્શન શરૂ કરી દેશે. આ ઉપરાંત હરિયાણાની વિવિધ ખાપ મહાપંચાયતોનું સમર્થન મેળવવા માટે તેમને પણ આવેદનપત્રો સોંપવામાં આવશે. સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા તમામ એજન્સીઓને અલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

Panchang

dd