નવી દિલ્હી, તા. 16 : નેશનલ ટેસ્ટિંગ
એજન્સી (એનટીએ)એ યુજીસી-નેટ જૂન-2026 પરીક્ષા હેઠળ
અંગ્રેજી, કોમર્સ અને સમાજશાત્ર વિષયની પરીક્ષા રદ કરીને
સપ્ટેમ્બરમાં ફરી લેવાનો નિર્ણય કર્યો છે. પ્રશ્નપત્રમાં અનેક ખામીઓ સામે આવ્યા બાદ
એનટીએની એક વિશેષ સમિતિની ભલામણના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એનટીએએ યુજીસી-નેટ
જૂન 2026 જોઈન્ટ સીએસઆઈઆર-નેટ અને આઈસીએઆર
એઆઈઈઈએ (પીજી)ની પ્રોવિઝનલ આન્સર-કી બહાર પાડીને ઉમેદવારોને રાહત આપી હતી, પરંતુ સાંજ થતાં થતાં એજન્સીએ ત્રણ વિષયની ફરી
પરીક્ષા યોજવા જાહેરાત કરી હતી. કેમ કે તેની એક સમિતિએ પ્રશ્નપત્રોમાં અનેક ગરબડી પકડી
હતી. એનટીએની નોટિસ અનુસાર આ રિ-ટેસ્ટ સપ્ટેમ્બરમાં લેવાશે અને જે ઉમેદવારોએ આ ત્રણ
વિષયની પરીક્ષા આપી હતી. તેમને ફરીથી કોઈ પરીક્ષા ફી ભરવી પડશે નહીં.
પરીક્ષામાં શું ખોટું થયું
?
સમિતિના તપાસ અહેવાલમાં ત્રણેય પ્રશ્નપત્રમાં અસંખ્ય તથ્યોને
લગતી ટાઇપોગ્રાફિકલ અને અનુવાદની શરમજનક ખામીઓ બહાર આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, ઘણા પ્રખ્યાત વિદ્વાનોનાં નામ ખોટી જોડણીમાં
લખાયેલાં હતાં અને પુસ્તકોનાં શીર્ષકો ખોટા અથવા અપૂર્ણ હતાં. વધુમાં પ્રશ્નોની ભાષામાં
વ્યાકરણની ભૂલો, લિંગ અને સંખ્યાની ભૂલો, વિરામચિહ્નોની ભૂલો અને સ્થાપિત ખ્યાલો માટે શબ્દોનો ઉપયોગ પણ હતો. સૌથી આઘાતજનક
વાત એ છે કે, ઘણા પ્રશ્નો અગાઉની પરીક્ષાઓમાંથી સમાન રીતે પુનરાવર્તિત
થયા હતા. આ ખામીઓને ધ્યાનમાં રાખીને, સમિતિએ ભલામણ કરી હતી કે,
નિષ્પક્ષ અને ભૂલમુક્ત પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે ત્રણેય પેપર ફરીથી
લેવામાં આવે. એનટીએએ તેના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, વિસંગતતાઓ એટલી ગંભીર હતી કે આન્સર કી પડકાર પ્રક્રિયા દરમ્યાન ફક્ત થોડા પ્રશ્નો
દૂર કરીને સમસ્યાનો ઉકેલ લાવી શકાતો નથી.