• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ભુજિયા કિલ્લા ભુજ જા, કાચ્છે જો શણગાર

કચ્છમાં શ્રાવણ મહિનાથી લોકમેળાઓની લાંબી શ્રુંખલા શરુ થાય છે, જેનું મંગલાચરણ `ભુજિયાના મેળા'થી થશે. આજે શ્રાવણ સુદ પાંચમ (નાગપંચમી)ના દિવસે ભાતીગળ ભુજ નજીક ભુજીયા ડુંગરની તળેટીમાં કચ્છનો આ વિખ્યાત મેળો યોજાઈ રહ્યો છે ત્યારે ભુજિયા ડુંગર, ભુજંગનાગ મંદિર અને ભુજિયા કિલ્લા વિશે કેટલીક રસપ્રદ વાતો પ્રસ્તુત છે.

* ભુજ શહેરના શણગાર સમો અને તેના ઉન્નત મસ્તક જેવો `ભુજિયો ડુંગર', ડુંગર ફરતે બંધાયેલો સૈકાઓ જૂનો અણનમ ગઢ `ભુજિયો કિલ્લો ' અને તેની ટોચે આવેલું `ભુજંગનાગનું મંદિર' એ કચ્છની શૂરવીરતા, ભક્તિભાવના, વિશિષ્ટ સ્થાપત્યકલા અને હવે ભૂકંપ મેમોરિયલ `સ્મૃતિવન' સ્મારકના જીવંત પ્રતીકો છે.

* તળેટીને ફરતો આઠ કિમીનો ઘેરાવ અને ચાર કિમીનું ક્ષેત્રફળ ધરાવતો ભુજિયો ડુંગર દરિયાઈ સપાટીથી 830 ફૂટ ઊંચો છે. ફરતી ગોળ ઊંચી ધાર અને વચ્ચમાં ઊંડાઈવાળો મહાકાય કિલ્લો એ રીતે પાટનગર ભુજ પર ઊંચેથી પ્રચંડ ભુજા પ્રસરાવતો ભુજિયો ડુંગર સંરક્ષણ દર્શક આશિષ દેતો ઊભો છે.

* ભુજ શહેરને ફરતો આલમપનાહ ગઢ તો બંધાયેલો હતો, પરંતુ ભુજના રક્ષણનો પ્રબંધ વિશેષ કારગત કરવા રાવ ગોડજી પહેલાએ દેશ-વિદેશથી નિષ્ણાત કારીગરો બોલાવી શહેર નજીક આવેલા `ભોરીંગગિરિ' નામની ઊંચી જગ્યાએ મજબૂત કિલ્લો બાંધવાનું શરુ કરેલું અને રાવ દેશળજી પહેલાના વખતમાં તથા દેવકરણ શેઠની દીવાનગીરી દરમિયાન સને 1727માં (300 વર્ષ પહેલાં) તે પૂર્ણ થયેલો.

* ભુજિયા ડુંગરની ધારો ઉપર ફરતો મજબૂત ચણાયેલો ભુજિયો કિલ્લો 580 ફૂટ ઊંચો છે. સેંકડો વર્ષ સુધી ભુજ અને કચ્છનું રક્ષણ કરનાર ભુજિયાના ડુંગરી કિલ્લા સખત કાળા પથ્થરથી બાંધેલો છે. ગઢમાં ઠેર-ઠેર સંખ્યાબંધ બાકોરા તથા વચ્ચે વચ્ચે 15 ઊંચા બુરજ - કોઠા રાખવામાં આવ્યા છે. કિલ્લામાં અનાજના કોઠારો અને પાણીના ટાંકા પણ બંધાયા છે. ભુજંગ દેરીથી દક્ષિણ તરફના બુરજ સુધી બળદગાડું જઈ શકે એટલી પહોળાઈ આ કિલ્લાની છે !

* ઝારાના યુદ્ધમાં વિજયથી છકેલા ગુલામશાહ કલોરાને અને ખંડણી વસુલવા આવેલા સુબા કેસરખાનને પણ ભુજિયા પરની અભેદ્ય કિલ્લેબંધી જોઇને પાછા ફરવું પડેલું. તો એ જ ભુજિયો કિલ્લો શેર બુલંદખાન સામેના યુદ્ધમાં કચ્છના જ્વલંત વિજયનો સાક્ષી બન્યો છે.

* 1965ના પાકિસ્તાની હુમલા વખતે દારૂગોળાના સંગ્રહ માટે કિલ્લો લશ્કરને હવાલે કરવામાં આવ્યો હતો. 2007માં ફોજી થાણું ખસેડાયું પણ લશ્કરે વહીવટીતંત્રને કબજો 14 સપ્ટે. 2008ના સોંપ્યો હતો.

* ભુજિયા ડુંગરની ટોચે ભુજિયા કિલ્લાના એક નાના ચોરસ બુરજમાં ભુજંગનાગનું પુરાતન મંદિર આવેલું છે. કિવદંતી એવી છે કે ભુજંગનાગ શેષનાગના ભાઈ હતા, જે કાઠીયાવાડના થાનથી અહીં આવ્યા હતા. એમણે દૈત્યો, રાક્ષસો તથા નિશાચરોના દમનથી કચ્છને છોડાવ્યું હતું. આ ઉપકારથી કૃતજ્ઞતા સ્વરૂપે કચ્છ તેમને પૂજે છે. ભુજંગનાગ અને ભેરૈયા ગારૂડીની દંતકથા પણ જોડાયેલી છે.

* કચ્છમાં રાજાશાહીના સમયમાં નાગપંચમીના અવસરે ભારે ઠાઠમાઠથી શાહી અસવારી નીકળતી, જેમાં કચ્છના મહારાવ પોતાના લશ્કર-સરંજામ સાથે ભુજના દરબારગઢમાંથી હાથીની અંબાડીમાં બેસી ભુજિયા ડુંગર સુધી જતા અને ભુજંગદાદાની વિધિવત પૂજા કરતા. આજેપણ પ્રતીકાત્મક અસવારી નીકળે છે.

* શેર બુલંદખાન કચ્છ પર ચડી આવ્યો ત્યારે દશનામી અખાડાના નાગાબાવાઓની જમાતે યુદ્ધમાં ભાગ લઇ દેશભક્તિનો પરિચય કરાવ્યો હતો. બુલંદખાનનો પરાજય થયો હતો એની યાદમાં નાગપંચમીના વિજયોત્સવ મનાવાય છે. બીજી એક પ્રચલિત વાયકા પ્રમાણે નાગદેવને રીઝવવા રાજવી અસવારી લઇ જવાય છે એવું મનાય છે.

* 2001ના ભૂકંપના મૃતાત્માઓની કાયમી સ્મૃતિ માટે ભુજિયા ડુંગર પર ભવ્ય સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે. ભૂકંપ સંગ્રહાલય સ્મૃતિવનનું 28 ઓક્ટોબર 2022ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. 225 કરોડના ખર્ચે સ્મૃતિવનનું સુંદર સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે અને તેણે અનેક આંતરરાષ્ટ્રીય સન્માન મેળવેલા છે. હાલે તેના બીજા તબક્કાનું વિસ્તૃતીકરણ ચાલી રહ્યું છે. અહીંનું મિયાવાકી વન વિશ્વનું સૌથી મોટું તે પ્રકારનું વન છે.

* સંકલન : સંજય પી. ઠાકર

Ram Katha

Vyapar Utsav

Panchang

dd