• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

વાવડી સીમમાં દેશી બંદૂક સાથે એક ઝડપાયો : એક નાસી છૂટયો

ભુજ, તા. 16 : તાલુકાના વાવડી સીમમાંથી દેશી બંદૂક સાથે એક શખ્સને એલસીબીએ ઝડપી પાડયો હતો. જ્યારે બાઇક પાછળ બેઠેલો એક શખ્સ નાસી છૂટયો હતો. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ગત તા. 15-8ના અડધી રાત્રે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે રાત્રે બે વાગ્યે સૈયદ પીર ત્રણ રસ્તા પાસે બાતમી મળી કે, બાઇકથી બે ઇસમ વાવડી સીમમાં દેશી બંદૂક સાથે શિકાર અર્થે આવ્યા છે. આથી પંચોને સાથે રાખી વાવડી સીમમાં આવતી બાઇકને ઊભી રખાવતાં બાઇક પાછળ બેઠેલો એક શખ્સ નાસી છૂટયો હતો. જી.જે. -12-ઇએ- 4724 બાઇક કિં. રૂા. 25000 તથા બે મોબાઇલ કિં. રૂા. 10,000 અને પરવાના વિનાની ગેરકાયદે રખાયેલી સિંગલ બેરલની દેશી બનાવટની બંદૂક કિ. રૂા. 1000, રોકડા રૂા. 3750ના મુદ્દામાલ સાથે જાકીર કાસમ મમણ (રહે. નાના વરનોરા)ને ઝડપી લીધો હતો. જ્યારે રમજુ ઉર્ફે ભાભો કાસમ ચૌહાણ (રહે. પૈયા, તા. ભુજ) નાસી છૂટયો હતો. બન્ને વિરુદ્ધ પદ્ધર પોલીસ મથકે આર્મ્સ એકટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. આ કામગીરીમાં એએસઆઇ સુરેન્દ્રસિંહ ઝાલા, વીરેન્દ્રસિંહ જાડેજા, હે.કો. રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહિલ તથા શ્યામ ગઢવી જોડાયા હતા. દરમ્યાન આ આરોપી ઝડપાયો તે પૂર્વે તા. 14-8ના સાંજે 6-30 વાગ્યાના અરસામા માધાપરના ગંગેશ્વર મહાદેવ મંદિરના ડુંગરોમાં બંદૂકના ભડાકાનો અવાજ થતાં અનેક મોરની ચીસોથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું. પશુ -પર્યાવરણપ્રેમી સેવાભાવી યુવાનોએ ડુંગરો ઉપર દોટ મૂકી હતી. પરંતુ કોઇ દેખાયા ન હતા. આથી તેઓએ આ અંગે વનતંત્ર અને પોલીસને ફોનથી જાણ કરી હતી. આ ધડાકા પાછળ આ જ લોકો હતા કે નહીં તે પૂછપરછ દરમ્યાન જાણવા મળશે.

Panchang

dd