લાડનું (રાજસ્થાન) તા. 27 : તેરાપંથ ધર્મસંઘના
આચાર્ય ભિક્ષુ સ્વામીના 301મા જન્મોત્સવ તથા આચાર્ય ભિક્ષુ ત્રિશતાબ્દી વર્ષ સમાપન
સમારોહના અવસરે આચાર્ય મહાશ્રમણજીએ મુનિ મહાવીરકુમારજીને તેરાપંથ ધર્મસંઘના નવા યુવાચાર્ય
પ્રવર તરીકે ઘોષિત કર્યા હતા. આ નિમણૂક માત્ર એક પદની જાહેરાત નથી, પરંતુ તેરાપંથની અખંડ ગુરુપરંપરા, અનુશાસન, સંયમ અને આધ્યાત્મિક નેતૃત્વના ભાવિ સંરક્ષણનો
ઐતિહાસિક સંકલ્પ હોવાનો સૂર વ્યક્ત કરાયો હતો. મહાઘોષણાની સાથે જ દેશ-વિદેશના તેરાપંથી
સમાજમાં આનંદની લહેર છવાઈ હતી. વિવિધ શહેરો અને ગામોમાં મંગલપાઠ, ગુરુવંદના, જપ-તપ, સ્વાધ્યાય,
ભક્તિસભાઓ અને વિશેષ પ્રાર્થનાઓ યોજાયા હતા. આચાર્ય ભિક્ષુથી લઈને આચાર્ય
મહાશ્રમણજી સુધીની ગુરુપરંપરાએ અણુવ્રત આંદોલન, પ્રેક્ષાધ્યાન,
વ્યસનમુક્તિ, આહિંસા અને માનવ એકતાના ક્ષેત્રે
વિશ્વસ્તરે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. યુવાચાર્ય પ્રવર મુનિ મહાવીરકુમારજીએ આચાર્યશ્રી
મહાશ્રમણજીના ચરણોમાં પંચાંગવંદના અર્પણ કરી હતી. પોતાના સંકલ્પમાં યુવાચાર્ય પ્રવરે
જણાવ્યું હતું કે, `ગુરુઆજ્ઞા
જ મારા જીવનનો સર્વોચ્ચ ધર્મ છે. ધર્મસંઘની મર્યાદા,
અનુશાસન અને ગુરુપરંપરાની રક્ષા માટે હું જીવનભર સમર્પિત રહીશ.'
ભારત, નેપાળ, દુબઈ,
અમેરિકા, યુરોપ, આફ્રિકા
અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાંથી અભિનંદન સંદેશાઓ આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
તેરાપંથ યુવક પરિષદ, મહિલા મંડળ, કિશોર
મંડળ, કન્યા મંડળ, જ્ઞાનશાળાઓ, તેરાપંથ પ્રોફેશનલ ફોરમ તથા અણુવ્રત સમિતિ પરિવાર જેવી અનેક ધાર્મિક અને સામાજિક
સંસ્થાઓએ યુવાચાર્ય પ્રવરને શુભેચ્છાઓ પાઠવી હતી. આચાર્ય મહાશ્રમણજીના માર્ગદર્શન અને
યુવાચાર્ય પ્રવર મુનિ મહાવીરકુમારજીના નેતૃત્વ
હેઠળ તેરાપંથ ધર્મસંઘ આધ્યાત્મિકતા, આહિંસા, નૈતિકતા, સંયમ અને માનવકલ્યાણનાં ક્ષેત્રે નવા શિખરો
સર કરશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.