ભુજ, તા. 8 : બે માસ સુધી ચાલેલું
ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે જ લાંબા સમયથી સૂના પડેલાં શાળા સંકુલો બાળકોના કલશોરથી
ગાજી ઊઠયાં હતાં. કચ્છની વાત કરીએ તો વેકેશન પૂર્ણ થતાંની સાથે જ પ્રાથમિક અને માધ્યમિકની
2500 શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો ધમધમાટ શરૂ થયો છે અને
4.23 લાખ બાળકો શિક્ષણકાર્યમાં પરોવાયાં છે. વેકેશન પૂર્ણ
થતાં જ શાળા સંકુલોમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ જોવા મળતાં શાળા પરિસરમાં બાળકોનો કલશોર
સાંભળવા મળ્યો હતો. સવારે શાળાએ પોતાના બાળકોને મૂકવા આવતા વાલીઓ તેમજ રિક્ષા-વેનની
અવરજવરના કારણે રસ્તા પર પણ ધમધમાટ જોવા મળ્યો હતો. દરમ્યાન, શાળાઓ ખુલી ગઇ હોવા છતાં પાઠયપુસ્તકો
ન મળતાં છાત્રો અને તેમના વાલીઓ મૂંઝવણમાં મુકાયેલા જોવા મળ્યા છે. પાઠયપુસ્તકો મળવામાં
હજુ થોડા દિવસનો સમય લાગી જાય તેવું શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા વર્તુળોએ જણાવ્યું
છે.
રિક્ષા-વેનનાં ભાડાંમાં વધારા અંગે અસમંજસ
દરમ્યાન,
રાજ્યના અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં રિક્ષા
અને વેનના ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, કચ્છના રિક્ષા-વેનધારકોમાં
હજુ અસમંજસતા જોવા મળી છે. ભુજના રિક્ષા-વેનચાલકોએ હજુ સુધી ભાડાંમાં કોઇ વધારો કર્યો
ન હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.