• મંગળવાર, 09 જૂન, 2026

ભુજમાં પાંચ શખ્સનો જીવલેણ હુમલો

ભુજ, તા. 8 : ગઈકાલે રાતે પોલીસ પાસે કાન ભંભેરણી કરશ કહીને પાંચ શખ્સોએ ઘાતક હથિયારો સાથે જીવલેણ હુમલો કરી સોનાની ચેન ઝુંટવી લઈ સાહેદોને ઈજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ માંડવીના તલવાણામાં વાડીમાં ઘેટાં-બકરા ચરાવા બાબતે બે જૂથ હથિયારો સાથે બાખડતા સામ-સામી ફયાદ નોંધાવાઈ છે. ભુજના વાલરામ રેસિડેન્સી પાછળ ખોડિયાર માતાજીના મંદિર પાસે ગઈકાલે રાતે 10 વાગ્યે બનેલા બનાવ અંગે નૂરમામદ ઈબ્રાહીમ અજડિયાએ એ-ડિવિઝન પોલીસ મથકે આજે નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ આરોપીઓ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી સ્કોર્પિયો ગાડીમાં ધાતક હથિયારો સાથે આવી ફરિયાદીની ગાડી સાથે અથડાવી આરોપી હનીફ ઉર્ફે રોક સમેજાએ ફરિયાદીને કહ્યું કે, તું પોલીસ પાસે કેમ અમારી કાન ભંભેરણી કરશ અને ગાળો બોલી તમામ આરોપીઓ મારવા તૂટી પડયા. ફરિયાદીના દીકરાઓ સબીર તથા કાસમ વચ્ચે પડતા તેઓને પણ આરોપીઓ સાજીદ સમેજા અને નોફીલ થેબા પાઈપથી મારવા લાગ્યા હતા. ફરિયાદીના માથામાં હનીફે કુહોડી ફટકારી જમીન પર પાડી દેતાં આરોપી રીયાબ હનીફ સમેજાએ ધારીયું નાકના ભાગે માર્યું અને બાદમાં આરોપી ઈદ્રીસ સમેજાએ છરી પડખાના ભાગે મારી હતી અને સાજીદ તથા નોફીલે પગમાં પાઈપ માર્યા તથા સાજીદે સોનાની ચેન ખેંચીને ઝુંટવી લીધી હતી અને જતા-જતા કહી ગયા કે કોઈ પાસે કાન ભંભેરણી કરશો તો પરિવારને જાનથી મારી નાખશું. પોલીસે ભુજના પાંચે આરોપી વિરુદ્ધ વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફ માંડવી તાલુકાના તલવાણામાં વાડીમાં ઘેટાં-બકરા ચરાવવા બાબતે ગઈકાલે સાંજે બે જુથનો ઘાતક હથિયારો સાથે ટકરાવ થતા સામ-સામી ફરિયાદ કોડાય પોલીસ મથકે નોંધાઈ છે. તલવાણાના પશુપાલક મોહનભાઈ શાંતિલાલ પટ્ટણીએ આરોપી મીઠુ જુસા કોલી (તલવાણા), ફકીરમામદ જાકબ જત, સિકંદર જાકબ જત, જાકબ નૂરમામદ જત (ત્રણે રહે. શેરડી) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ તેની દેખરેખની વાડીમાં આરોપીઓ ઘેટાં-બકરા ચરાવવા આવતા તેની ના કહેતા આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને ઊંધી કુહાડીથી માર-મારી ઈજા પહોંચાડી હતી. બીજી તરફ આજ બનાવ અંગે ફકીરમામદ જાકબ જતે આરોપીઓ મોહન શાંતિલાલ પટ્ટણી, વિનોદ દિનેશભાઈ પટ્ટણી અને ગોવિંદ દિનેશભાઈ પટ્ટણી (રહે. તમામ તલવાણા) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓએ કહ્યું કે, તમે બહાર ગામના છો, અહીં કેમ ઘેટાં-બકરા ચરાવવા આવ્યા છો કહી ઉશ્કેરાઈ સાહેદ સિકંદરને દાતરડાથી અને ફરિયાદીને હાથોથી મારી ઈજા પહોંચાડી હતી. પોલીસે બન્ને ફરિયાદ વિવિધ કલમો તળે નોંધી તપાસ હાથ ધરી છે.

Panchang

dd