હેતલ પટેલ દ્વારા
ભુજ,
તા. 8 : છેલ્લા પાંચ વર્ષના
ગ્રાફનો અભ્યાસ કરતાં જિલ્લામાં વીજ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો ચિંતાજનક બન્યો છે.
છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કુલ 165 લોકો અને 175 પશુ મળી 340 માટે
આવી ઘટના જીવલેણ પૂરવાર થઈ છે અનેક કર્મચારીઓ બિનપ્રાણઘાતક અકસ્માતોમાં ઈજાગ્રસ્ત બન્યા
છે. ચોમાસાંની ઋતુ નજીક છે ત્યારે આગોતરી વ્યવસ્થા અને સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે
તો વીજ અકસ્માતોની ઘટનાઓ બનતી અટકાવી શકાય તેમ છે. સંબંધિત વિભાગો દ્વારા સમયસર તપાસ-મરંમત
હાથ ધરવી જરૂરી બની છે. લોકોમાં સચેતના કેળવાય અને યોગ્ય તકેદારી લેવાય તો જીવલેણ દુર્ઘટનાઓમાં
ઘટાડો શક્ય છે.
બેદરકારી બને છે દુર્ઘટનાનું મુખ્ય કારણ
આ ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ મોટાભાગના બનાવોમાં
માનવીય ભૂલો જવાબદાર રહે છે. વાડી વિસ્તારમાં વપરાતા વીજ ઉપકરણોમાં વરસાદી નાળાંમાં
પાણી જતાં અકસ્માતો પ્રાણઘાતક નીવડે છે. બાંધકામ સાઈટ પર વીજલાઈનના સંપર્કથી જીવલેણ
અકસ્માતો બન્યા હોવાનો આંકડો વધુ છે. તેવું સહાયક વિદ્યુત નિરીક્ષક કચેરી દ્વારા મળેલી
માહિતીમાં જણાવાયું હતું.
સુરક્ષિત ટ્રાન્સફોર્મર છતાં પશુઓનાં મોતનો સિલસિલો
યથાવત્
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. દ્વારા ટ્રાન્સફોર્મરને
સુરક્ષિત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં પશુઓનાં મોતનો ક્રમ યથાવત્ રહ્યો
છે. ખાસ કરીને ચોમાસાંમાં આવી ઘટનાઓ વધુ બનતી હોવાથી આગોતરી સાવચેતીરૂપે પગલાં લેવા
જરૂરી હોવાનું સૂચવાયું છે. વરસાદના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ વર્ષે આવા બનાવો બનતા અટકાવી
શકે તેના ભાગરૂપે સુચારુ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
કાયદાનું ઉલ્લંઘન
જાગૃત નાગરિકોના મતે સલામતીના નિયમો પ્રત્યે દાખવવામાં
આવતી ઉદાસીનતા આફતનું કારણ બને છે. જિલ્લા મેજિસ્ટ્રેટના સ્પષ્ટ પ્રતિબંધાત્મક આદેશો
છતાં વીજપોલ પરથી પસાર થતા ખુલ્લા જોખમી કેબલ કનેકશનો આવા બનાવો માટે કારણભૂત બને છે.
આ સમયગાળામાં નેત્રા સબ સ્ટેશન તેમજ ભુજની એક હોટેલમાં બનેલા પ્રાણઘાતક બનાવોએ સુરક્ષા
મુદ્દે સવાલો ઊભા કરવાની સાથે ભારે ચકચાર પણ સર્જાઈ હતી.
વીજ અકસ્માતનું આંકડાકીય
વિશ્લેષણ
વર્ષવાર માહિતી દર્શાવતું પ્રાણઘાતક ઘટનાનું આંકડાકીય
ચિત્ર આ મુજબ છે.
નાણાકીય વર્ષ માનવ મૃત્યુઆંક પશુઓનો મૃત્યુઆંક
2021-22 24 27
2022-23 28 30
2023-24 36 35
2024-25 48 48
મે-2026 સુધી 29 35
કુલ 165 175
ઉપરાંત આ સમયગાળામાં 110 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટનાઓ બની હતી.