• રવિવાર, 07 જૂન, 2026

સાગરકાંઠો સંસ્કૃતિ-સમૃદ્ધિનું બારું

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : લગભગ ત્રણેક દાયકા પહેલાં કચ્છમિત્રના પત્રકારોની ટીમે કોટેશ્વર વિસ્તારના સમુદ્રમાં બસ્તા બંદરની મુલાકાત લીધી હતી. કોટેશ્વર બંદરથી બોટની ત્રણ-ચાર કલાકની સફર યાદ કરતાં આજે પણ રોમાંચ થઇ આવે... કચ્છની વાયવ્ય દિશામાં કોરીક્રીક પાસે આવેલું બસ્તા બંદર આજે અસ્તિત્વમાં જ નથી. 16મી સદીમાં આ પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વેપારમથક ગણાતું. એવું નોંધાયું છે કે, 1819માં આવેલા ધરતીકંપને લીધે સિંધુ નદીનો માર્ગ બદલાયો અને બસ્તા બંદર તથા સિંદરી બંદરનું અસ્તિત્વ ભૂંસાઇ ગયું. બસ્તા બંદર આજે તો સમુદ્રમાં ગરકાવ છે. ઓટ હોય ત્યારે વિશાળ ભૂભાગ બહાર આવે. બસ્તા બંદર પહોંચવા અને પાછા આવવા માટે ટાઇમ શિડયુલ જાળવવાનો પડકાર હતો. ઓટ શરૂ થઇ કે બોટમાં જવા નીકળ્યા... ગોઠણ સુધી પગ ખૂંપી જાય એટલી માટીમાં થોડું ચાલીને બસ્તા બંદરની ભૂમિ પર પગ દીધો... 26મી જન્યુઆરીનો એ દિવસ એટલે બસ્તા બંદરે વચ્ચોવચ્ચ ત્રિરંગો લહેરાવીને સીમા પાર બેઠેલા શત્રુઓને મેસેજ આપ્યો કે, અફાટ જળરાશિ અને ક્ષિતિજે નજર પહોંચે એ સમગ્ર ક્ષેત્ર હિન્દુસ્તાન છે... અમારી તરફ આંખ ઉઠાવીને જોવાની રખે ગુસ્તાખી કરે. કચ્છનો સાગર આવા તો અનેક ઈતિહાસ, ભવ્ય ભૂતકાળ ગરકાવ કરીને બેઠો છે. કચ્છનો સમુદ્રતટ અનેકવિધતા ધરાવે છે. સોમવારે વિશ્વ સમુદ્ર દિન ઊજવાશે. એ નિમિત્તે થોડી કચ્છના દરિયાની ખારાશની અનુભૂતિ લઈએ. કચ્છ રણ, સમુદ્ર, ડુંગરો સાચવતો અનોખો પ્રદેશ છે. ઉત્તર બાજુએ અફાટ રણપ્રદેશ અને દક્ષિણ તરફ, પૂર્વ, પશ્ચિમે અરબી સમુદ્ર અને કચ્છના અખાતથી ઘેરાયેલો છે. એક સમયે કચ્છનો સાગરકાંઠો એટલે ધોળાવીરાથી માંડવી સુધીનો લેખાતો. કંડલાથી લખપત સુધીના દરિયા કિનારે વસેલા બંદરોમાં તુણા, ભદ્રેશ્વર, મુંદરા, માંડવી, જખૌ, લખપતનો સમાવેશ થાય છે. એક સમયે એ ધીકતા બંદરોએ સંરક્ષણ માટે કિલ્લા બાંધવામાં આવ્યા હતા. સમુદ્ર કુદરતની પ્રક્રિયાને લીધે છેટો થતો ગયો ને આજે ધોળાવીરા હડપ્પન વસાહત તરીકે પ્રવાસનધામ બની ગયું છે. સમય હંમેશાં પરિવર્તનકારી હોય છે. એક સમયે કચ્છના ધોળાવીરા, લખપત, બસ્તા જેવાં બંદરો વેપારી પ્રવૃત્તિથી ધમધમતા હતાં. કુદરતી પડકારોએ એ ભવ્યતા ઝાંખી પાડી, માંડવીમાં પણ ચોર્યાસી બંદરના વાવટા ફરકતા... સમયાંતરે માંડવીની ચમકે છીનવાઈ ગઈ. પણ આજે મુંદરા-અદાણી પોર્ટ અને કંડલા મહાબંદર દેશની ઓળખ બની રહ્યાં છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક માંડવી તટે ભારતના ભવ્ય ક્રાંતિ ઈતિહાસને સાચવી બેઠું છે . હકીકતમાં કચ્છનો સમુદ્ર માત્ર પાણીનો સંગ્રહ નથી પણ કચ્છી જીવાદોરી, સંસ્કૃતિ અને ભારતના આર્થિક વિકાસનું એન્જિન છે.અબડાસામાં પિંગલેશ્વર અને સુથરીનો દરિયાકિનારો નયનરમ્ય છે. અલબત્ત, આ કાંઠો ખડકાળ હોતાં ત્યાં વહાણવટું થતું નથી. આશરનો દરિયાકિનારો માંડવી જેવી જ ભવ્યતા ધરાવે છે. દરિયાની વાટે વાટેમાં હસમુખ અબોટીએ નોંધ્યું છે કે, કચ્છનું વહાણવટું હજારો વર્ષ પુરાણું છે. ઈસવીસન પૂર્વે કચ્છના વ્યાપારી સંબંધો મોસેપોટેમિયાથી લઈને યુરોપના શહેરો સુધી વિસ્તર્યા હતા. ગુજરાતના 1663 કિ.મી. લાંબા દરિયાકાંઠામાંથી 23 ટકા એટલે કે 352 કિ.મી. દરિયાકિનારો કચ્છને મળ્યો છે. ગુજરાત અને કચ્છના દરિયાકાંઠાનો સંવર્ધિત આંક અનુક્રમે 2341 અને 405 કિમી છે. કચ્છનો કાંઠો સપાટ છે. લખપતથી કંડલા સુધીના કાંઠે તીવ્ર મોજા અને પ્રવાહના લીધે મોટી ખાડીઓ અને નદીઓના વહેણથી નાની ખાડીઓનું સર્જન થયું છે. કચ્છનો અખાત પરવાળાના ટાપુઓ (કોરલ) અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે મશહૂર છે. કચ્છના અખાતમાં ભારતના દરિયાકાંઠાની સૌથી ઊંચી ભરતી જોવા મળે છે. ભરતીના મોજાનું કરન્ટ ઊર્જાનો સ્રોત હોય છે. આજની પેઢીના કચ્છીઓએ જાણવા જેવું છે કે એક સમયે કચ્છના અખાતમાં ટાઈડલ વેવ પ્રોજેક્ટનો નિર્ણય લેવાયો હતો. દરિયાના મોજાંમાંથી વીજળી ઉત્પન્ન કરવાની યોજના દાયકાઓ સુધી ચર્ચાતી રહી. અફસોસની વાત એ છે કે ભારોભાર ક્ષમતા અને સફળતાની ગેરંટી હોવા છતાં એ નક્કર સ્વરૂપ પામી ન શકી. સમગ્ર એશિયાનો આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ કચ્છના અખાતમાં આકાર લેશે એવી વાત કાગળ ઉપર રહી ગઈ. વિશ્વના નામાંકિત નિષ્ણાતોએ તેની ભલામણ કરી હતી. કચ્છનો સાગરકાંઠો ચેરના જંગલોથી સમૃદ્ધ છે, તેનું અનેકવિધ મહત્ત્વ છે. કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવર જેવાં તીર્થધામ સમુદ્રકાંઠે છે. માંડવીના સાગરકાંઠે પ્રવાસન વિકસ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીચ ટુરિઝમની હિમાયત કરી ચૂક્યા છે. ભારતની જરૂરિયાતનું મહત્તમ નમક (મીઠું) કચ્છના સાગરકાંઠાની દેન છે. કચ્છનો સમૃદ્ધ સાગરકાંઠો છે તેમ કચ્છના દરિયાખેડુ સાહસિક માનવીઓએ સાત સમુદ્ર પાર કરીને વેપાર-વણજ વિકસાવ્યા છે. કચ્છના ભાટિયા, લોહાણા, ખોજા, વહોરા, લેવા પટેલો દેશ-વિદેશમાં જઈ વસ્યા છે. ઓમાન (મસ્કત)માં ખીમજી રામદાસ પેઢી આજે પણ મોટી નામના સાથે ધમધમી રહી છે. એમ કહેવાય છે કે સમૃદ્ધિ હંમેશાં સાગરકાંઠેથી આવે છે. ખારવાઓ અને દરિયાખેડુઓ દરિયાદેવની પૂજા કરે છે... સમુદ્રનો ભાગ અંદર સુધી ઘૂસેલો હોવાથી કંડલાને પશ્ચિમ કાંઠાનું સૌથી સુરક્ષિત બંદર માનવામાં આવે છે, પણ આ જ બંદરે 1998માં વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો, જાન-માલનું ભારે નુકસાન સહન કરવું પડયું હતું. કુદરતની લીલાને કોઈ સમજી શકતું નથી. એક સમયે માંડવીથી ચાર કિ.મી. દૂર રાયણ સુધી દરિયો વિસ્તરેલો હતો. ચંદને નોંધ્યું છે કે, અબડાસાના વિંઝાણ સુધી એક સમયે પાણી ઘૂઘવતાં, જેનો પુરાવો છે, ત્યાંથી પીળા પથ્થરોની ખાણમાંથી મળતા છીપલાં, શંખ અને કોડીઓ. પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુ એન ત્સંગે પોતાની નોંધમાં કચ્છનો વ્યાપાર, વહાણવટું, બંદરો અને સમૃદ્ધિનો ઉલ્લેખ કરેલો છે. ભૂતકાળમાં જંગી, ખારીરોહર અને ભદ્રેશ્વર પણ ધીકતા બંદર હતાં. કોરીક્રીક પરનું લખપત ક્યારેક રોજની એક લાખ કોરી કમાઈ આપતું. પણ એ પછી તેની અવદશા શરૂ થઈ. એવી જ રીતે માંડવી, મુંદરા અને જખૌની આર્થિક-સામાજિક અને સાંસ્કૃતિક ધરોધર એટલી મજબૂત હતી કે તેની સમૃદ્ધિની શાખ આજે પણ તે સમયે બનેલા મકાનો તેમજ હવેલીઓ પૂરે છે.  જખૌમાં તો તે જમાનામાં નગર પંચાયત અને તાર ઓફિસ હતી. માંડવી અને મુંદરાની આન-બાન-શાન લહેરાતી. કચ્છ આજે ભારતનો વિકસતો ભૂભાગ છે. આ સમૃદ્ધિ વધારવામાં, વિસ્તારવામાં કચ્છના બંદરોનો સિંહફાળો છે. કચ્છના સાગરનો ભવિષ્યમાં જળમાર્ગ તરીકે વધુ ઉપયોગ કરવાનું આયોજને ઘડાઈ રહ્યું છે. 

Panchang

dd