અંજાર, તા. 8 : આગામી વરસાદને લઈને
પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરી છે. અબલત્ત અમુક વિસ્તારમાં વરસાદી નાળાંની સફાઈ બાદ પણ
નાળાંમાંથી પાણીનો નિકાલ ન થતો હોવાની ફરિયાદ ઊઠી છે. ગાયત્રી ચાર રસ્તા પાસે પાલિકા
દ્વારા થોડા સમય અગાઉ વરસાદી નાળાંની સફાઈ કરવામાં આવી હતી. જેને થોડો જ સમય વિતવા
આવ્યો છે, તેમ છતાં તેમાંથી પાણી ન નીકળતું હોવાનું
ચિત્ર ઊપસ્યું હતું. દર વર્ષે પાલિકા દ્વારા વરસાદી નાળાંની સફાઈ પાછળ માતબર રકમનો
ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતો
હોવાનાં કારણે લોકોનાં ઘરોમાં પાણીનો ભરાવો થતો હોવાની ફરિયાદ દર વર્ષે ઊઠતી હોય છે.
વખતોવખત વરસાદી નાળાં સફાઈની કામગીરી માત્ર કાગળ પૂરતી કરવામાં આવતી હોવાના આક્ષેપો
સમયાંતરે ઊઠે છે. હાલમાં પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી વરસાદી નાળાંની સફાઈ અંગે
આગામી વરસાદ બાદ સાચી સ્થિતિ સ્પષ્ટ થશે. વરસાદી પાણીને અવરોધરૂપ અતિક્રમણ દૂર કરવામાં
આવે તેવી સમયની તાતી જરૂરિયાત છે. નોંધપાત્ર છે કે ભૂતકાળમાં વરસાદી પાણીના નિકાલના
નાળાંના પ્રકલ્પમાં ગેરરીતિ સપાટી ઉપર આવી હતી. જે તે સમયે પાલિકા દ્વારા સંબંધિતો
સામે પગલાં લેવામાં આવ્યાં હતાં. આગામી વરસાદમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પાણીનો
ભરાવો ન થાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે
તેવું પ્રત્યેક નાગરિકો ઈચ્છી રહ્યા છે.