• મંગળવાર, 09 જૂન, 2026

વૈશ્વિક સંકટોથી લઈ કચ્છના ભવિષ્યના મુદ્દે કરાયો સંવાદ

ગાંધીધામ, તા. 8 : કચ્છ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા એક્સપ્રેશન ફોરમ અંતર્ગત જિલ્લાના વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધ નાગરિકો, ઉદ્યોગકારો, શિક્ષણવિદો્, સી.એ., તબીબો, નિવૃત્ત અધિકારીઓ અને સામાજિક આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કચ્છના પ્રબુદ્ધ નાગરિકોના વિચારોને વાચા આપી વિકાસલક્ષી મુદ્દાઓ ઉપર રચનાત્મક ચર્ચા અને માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગાંધીધામ ચેમ્બર અને કે.એમ.એ.ના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે વિશ્વ ઝડપભેર બદલાઈ રહ્યું છે. અને વૈશ્વિક, આર્થિક, ભૂરાજકીય અને ટેકનોલોજિકલ પરિવર્તનોની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર ઉપર પણ જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, એક્સપ્રેશન ફોરમ માત્ર ચર્ચાનો મંચ નથી પરંતુ કચ્છનાં ભવિષ્ય માટે વિચારોને દિશા આપતું જીવંત માધ્યમ છે. આગામી સમયમાં પણ કચ્છના વિકાસ સાથે સંકળાયેલા વિવિધ વિષયો ઉપર નિયમિત સંવાદો યોજી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને યોગ્ય વાચા આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. કે.એમ.એ.ના માનદ્મંત્રી મહેશ તીર્થાણીએ કહ્યું હતું કે, કોઈ પણ પ્રદેશનો વિકાસ માત્ર મૂડીરોકાણથી નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત વિચારો, જ્ઞાન આધારિત નિર્ણય પ્રક્રિયા અને સમાજના વિવિધ વર્ગેંની સહભાગિતાથી શક્ય બને છે. એક્સપ્રેશન ફોરમમાં રજૂ થયેલા સૂચનોને દસ્તાવેજીકૃત કરવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી. ગાંધીધામ ચેમ્બરના ઉપપ્રમુખ અને કે.એમ.એ.ના સભ્ય દીપક પારખે કહ્યું હતું કે, કચ્છ પાસે બંદરો, કૃષિ, પ્રવાસન અને નવીનીકરણીય ઊર્જા જેવાં અનેક ક્ષેત્રોમાં અસાધારણ સંભાવનાઓ રહેલી છે. આ સંભાવનાઓને વાસ્તવિક વિકાસમાં પરિવર્તિત કરવા માટે વિવિધ ક્ષેત્રના અનુભવી લોકો વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન જરૂરી હોવાનું કહ્યું હતું. દીપક રામચંદાણી, સંદીપ ખંડેલવાલ, પ્રકાશ જેસવાણી, હેમચંદ્ર યાદવ, વરજાંગ ગઢવી, વિનોદ બિન્દલીશ, ડો. સુરભિ આહીર, વિજય જૈન, ડો. તેજસ પૂજારા, અનિમેષ મોદી, સહિતના સભ્યોએ સપ્લાય ચેઈન, કૃષિ આધારિત ઉદ્યોગો, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, એ.આઈ., પ્રવાસન અને કચ્છના લાંબા ગાળાના વિકાસ માટે જરૂરી વ્યૂહાત્મક સૂચનો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કે.એમ.એ.ના સી.ઈ.ઓ. જય હેમનાનીએ આભારવિધિ કરી હતી. સંવાદમાં કમલેશ રામચંદાણી, વીનેશ તેજવાની, ડો. રતન પટેલ, અનિશ બેલાણી, દિલીપ ધનવાણી, તુલના શર્મા, ડેનુ કંપાનિયા, અશોક દરિયાણી, હીરાલાલ ચાવલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd