ભારાપર, તા. 8 : અજરામર ટ્રસ્ટ સંચાલિત
ગૌવંશ સેવાધામ ખાતે ખોડિયાર માતાજીનાં નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
હતો. રખડતા-ભટકતા ગૌવંશ માટે આશ્રયસ્થાન નિર્માણ પામે તે હેતુથી નિર્મિત નૂતન મંદિરમાં
ખોડિયાર મા, ભગવાન ગણેશજી
તથા હનુમાનજી તેમજ ક્ષેત્રપાળ દાદાની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો બે
દિવસીય કાર્યક્રમ-ધાર્મિક અનુષ્ઠાન અને શાત્રીય વિધિ- વિધાન સાથે પંડિત તુષારભાઈ ભટ્ટના
આચાર્યપદે યોજાયો હતો. નૂતન મંદિર અને માતાજીની મુખ્ય મૂર્તિના દાતા કમલબેન તુલસીદાસ
જોશી તથા અન્ય દેવ મૂર્તિઓના દાતા તરીકે અમદાવાદના હેમલતાબેન નવીનચંદ્ર રાજગોર રહ્યા
હતા. મંદિરમાં પૂજાપા સહિત નિત્ય આરતી માટેની સામગ્રીઓના દાતા ઈલાબેન હિરેનભાઈ મહેતા
રહ્યા હતા. સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મયૂર બોરીચા, મીના બોરીચા
તેમજ નરેન્દ્ર કચ્છી, સરોજબેન કચ્છી શાત્રોક્ત વિધિ-વિધાનમાં
જોડાયા હતા. નૂતન મંદિરનું દ્વારા ઉદ્ઘાટન અને માતાજીનું મુખદર્શન મુખ્ય દાતા કમલબેન
દ્વારા કરાયું હતું. ધ્વજારોહણ સંસ્થાના સભ્યો દ્વારા કરાયું હતું. નૂતન મંદિર અને
મુખ્ય મૂર્તિઓના દાતા માટે ગૌવંશ સેવાધામ વરિષ્ઠ મંડળના સભ્ય, મનસુખભાઈ શાહનો સહકાર મળ્યો હતો. બન્ને દિવસ ધાર્મિક અનુષ્ઠાન માટે વિવિધ દાતાઓ
તરફથી આર્થિક દાન મળ્યું હતું. સંસ્થાના સભ્યો મનસુખભાઈ નાગડા, વિનોદભાઈ ગાલા, સંજય બોરીચા, દીપક
મહેતા, ભવ્ય બોરીચા, વિનોદભાઈ ગોર સહયોગી
બન્યા હતા.