ભુજ, તા. 2 : કચ્છી ભાષાના જતન-સંવર્ધનમાં
યુવાપેઢી રસ લેતી થાય, જાગૃત બને
એ જરૂરી છે તેમ કચ્છનો અનન્ય વારસો જળવાય એ પણ એટલું જ અગત્યનું છે. આજે ભુજ ખાતે કચ્છ
શક્તિ તથા કચ્છમિત્રના સંયુક્ત ઉપક્રમે કચ્છી-ગુજરાતી સર્જક કવિ પબુ ગઢવી `પુષ્પ'ને દુલેરાય કારાણી એવોર્ડ એનાયત કરતાં ઉપસ્થિત અગ્રણી વક્તાઓએ આ મુજબના સૂર
વ્યક્ત કર્યા હતા. - કચ્છ પ્રદેશ
અનન્ય : શહેરના કેડીસીસી બેન્કના ખીચોખચ ભરેલા સભાખંડમાં
સર્જક `પુષ્પ'ને એવોર્ડ એનાયત કરતાં કચ્છ-મોરબીના સાંસદ અને સમારંભના અધ્યક્ષ વિનોદભાઇ ચાવડાએ
કચ્છ શક્તિ-કચ્છમિત્ર દ્વારા અપાતા એવોર્ડને ગરિમાપૂર્ણ લેખાવતાં જણાવ્યું હતું કે, વિશિષ્ટ વારસો ધરાવતા કચ્છ પ્રદેશનું
એટલું જ વિશિષ્ટ કચ્છી સાહિત્ય, ભાષાને જીવંત રાખવામાં કચ્છી
સર્જકો અને ભાવકોનું અનન્ય યોગદાન રહ્યું છે. તેમણે નવી પેઢી આ વારસો જાળવી રાખે એવી
આશા વ્યક્ત કરતાં સર્જક પબુ ગઢવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કચ્છમિત્રનાં યોગદાનનેય
આવકાર આપ્યો હતો. - ગૌરવપ્રદ
ઘટના : અતિથિવિશેષ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.
મોહનભાઇ પટેલે પબુ ગઢવીને મળેલો એવોર્ડ એ કચ્છના સાહિત્યજગત માટે ગૌરવપ્રદ ઘટના લેખાવતાં
કચ્છ શક્તિ, કચ્છમિત્ર તથા હેમરાજ શાહ
દ્વારા કરાતાં કચ્છી સાહિત્યને પ્રોત્સાહિત કરવાનાં કાર્યને અદ્ભુત લેખાવ્યાં હતાં.
તેમણે કચ્છ અને મુંબઇમાં કચ્છી સાહિત્ય અને સર્જકને બિરદાવવા થતાં કાર્યને અદ્વિતીય
લેખાવ્યું હતું. - નિજાનંદી
કવિ : સમારંભના અતિથિવિશેષ કચ્છી સર્જક અને પદ્મશ્રી
પુરસ્કૃત ડો. નારાયણ જોષી `કારાયલ'એ સર્જક પબુ ગઢવીને ધન્યવાદ આપતાં તેને નિજાનંદી
કવિ ગણાવ્યા હતા. તેમણે કચ્છી ભાષા-સાહિત્યનાં જતન સંવર્ધનમાં કચ્છમિત્ર, કચ્છ શક્તિ, કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કરાતાં કાર્યને
સરાહનીય લેખાવ્યું હતું. - વિશેષ માવજતની
જરૂર : આ અગાઉ એવોર્ડ પસંદગી સમિતિના સભ્ય અને
કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે આવકાર આપતાં કચ્છ શક્તિ-કચ્છમિત્ર દ્વારા અપાતા
`દુલેરાય કારાણી' એવોર્ડને સમાજ તરફથી અપાતા એવોર્ડમાં સર્વોચ્ચ
લેખાવતાં વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા કચ્છ પ્રદેશ અને કચ્છી ભાષા સાહિત્યની વિશેષ માવજત
લેખાવી જરૂરી હોવાનો મત વ્યક્ત કરતાં આ માટે યોગ્ય માહોલ સર્જવાની આવશ્યકતા હોવાનું
જણાવ્યું હતું. તેમણે કવિ પબુ ગઢવીને ધારદાર અને સમાજ જીવનને ઢંઢોળતી રચનાઓના સર્જક
લેખાવ્યા હતા. કે.ડી.સી.સી. બેન્કના ચેરમેન દેવરાજભાઇ ગઢવીએ પ્રાસંગિક પ્રવચનમાં કચ્છી
ભાષાના ઓવારણાં લેતાં એવોર્ડ દાતા કચ્છમિત્ર-કચ્છ શક્તિ એવોર્ડનો સર્જકના પરિવાર વતી
આભાર માન્યો હતો. - હેમરાજ શાહ-કચ્છમિત્ર : એવોર્ડ વિજેતા સર્જક પબુ ગઢવીએ સન્માનનો
પ્રત્યુત્તર આપતાં કચ્છ શક્તિ-કચ્છમિત્રનો તથા હેમરાજ શાહનો વિશેષ આભાર માન્યો હતો.
પોતાને મળેલી આ સિદ્ધિમાં કચ્છમિત્રના બહુમૂલ્ય યોગદાનનોય ઉલ્લેખ કરી એમના વિકાસમાં
કચ્છના લોકપ્રિય દૈનિક કચ્છમિત્રનો સિંહફાળો હોવાનું જણાવી એવોર્ડથી આનંદ અને પ્રોત્સાહન
મળ્યું હોવાનું કહ્યું હતું. - કુલ પાંચ
સન્માનિત : અત્રે ઉલ્લેખનીય છે કે, 2022થી કચ્છ શક્તિ-કચ્છમિત્ર
દ્વારા શરૂ કરાયેલા દુલેરાય કારાણી એવોર્ડ અત્યાર સુધી ચાર સર્જકોને અપાયા છે જેમાં
જયંતી જોશી `શબાબ',
મદનકુમાર અંજારિયા `ખ્વાબ', નારાયણ
જોશી `કારાયલ'
તથા ગૌતમ જોશીનો સમાવેશ થાય છે. આ એવોર્ડ વિશ્વ કચ્છી ભાષા દિવસ 26મી ફેબ્રુઆરીના પ્રતિવર્ષ આપવામાં આવે છે.
પબુ ગઢવીને અપાયેલા દુલેરાય કારાણી એવોર્ડમાં સન્માનપત્ર, શાલ તથા રૂા. 31000નું રોકડ માનધન અર્પણ કરાયું
હતું. ઉપસ્થિત મહેમાનોના સન્માનમાં કચ્છમિત્રના વ્યવસ્થાપક મુકેશભાઇ ધોળકિયા, પૂર્વ કુલપતિ ડો. કાંતિભાઇ ગોર, જયંતી જોશી `શબાબ', માવજી મહેશ્વરી, ગૌતમ
જોશી તથા નરેશ અંતાણી જોડાયા હતા. સમારંભનું સંચાલન કરતા એવોર્ડ સમિતિના સભ્ય અને વીઆરટીઆઇના
પ્રકાશન અધિકારી ગોરધન પટેલ `કવિ'એ એવોર્ડ અંગે
વિગતો આપી આઠ પુસ્તકોના સર્જક, 500 મુશાયરા ગજાવનારા તથા પાંચસોથી વધુ કાવ્યરચનાઓના રચયિતા એવોર્ડ
વિજેતા પબુ ગઢવી `પુષ્પ'નો પરિચય આપ્યો હતો. ભુજ નગરપાલિકાના અધ્યક્ષ
શીતલ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી મંચસ્થ રહ્યા હતા. આ અવસરે
સપ્તરંગના જોરાવરસિંહ રાઠોડ, ઝવેરીલાલ સોનેજી, સારસ્વતમના મૂલેશ દોશી, રાજવી પરિવારના કુંવર પ્રતાપસિંહ હનુવંતસિંહ, નૂતનબેન
ધીરેન્દ્ર મહેતા, કૃપાબેન નાકર, વિશ્રામ
ગઢવી સહિતના સર્જકના મિત્રો, સ્નેહીઓએ પણ શાલ-સ્મૃતિચિહ્નથી પબુભાઇનું
સન્માન કર્યું હતું. આભારવિધિ સંજયભાઇ ઠાકરે કરી હતી. આ અવસરે મદનકુમાર અંજારિયા,
કાશ્મીરાબેન મહેતા, અજિતભાઇ માનસતા, કાઉન્સિલર રાજેન્દ્રસિંહ જાડેજા, અખિલેશ અંતાણી,
શાંતિલાલ વરૂ, કમલભાઇ ભટ્ટ, નિરૂપમ છાયા, જગદીશભાઇ મહેતા સહિતના અગ્રણીઓ,
રાજવી પરિવાર, સર્જકનો પરિવાર વગેરે મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા. - ગૌરવ એવોર્ડની રકમનો ઉપયોગ કચ્છી ભાષાનું ગૌરવ વધારવા માટે... : ભુજ, તા. 2 : કચ્છ શક્તિ-કચ્છમિત્ર-હેમરાજ
શાહ દ્વારા એનાયત કરાયેલા દુલેરાય કારાણી એવોર્ડનો સ્વીકાર કરતાં સર્જક પબુ ગઢવીએ એવોર્ડના
વળતરમાં પોતા તરફથી એક વધુ એવોર્ડની જાહેરાત કરી હતી, જેને તેમણે `િરટર્ન ગિફટ' લેખાવી હતી. પબુભાઇએ જાહેરાત કરી હતી કે, પોતાને કચ્છી
સાહિત્ય અકાદમી દ્વારા મળેલા ગૌરવ પુરસ્કારના રૂા. એક લાખના માનધનના વ્યાજમાંથી દર
બે વર્ષે શ્રેષ્ઠ કચ્છી સર્જકને `પબુ ગઢવી' એવોર્ડ
અપાશે. આ માટે ખાસ પસંદગી સમિતિની રચના પણ કરવાની તેમણે જાહેરાત કરી હતી. સંભવત: આ
પ્રકારે એવોર્ડના વળતરમાં એવોર્ડની જાહેરાત એ કચ્છી-ગુજરાતી સાહિત્ય જગતની પ્રથમ ઘટના
બની રહેશે.