• બુધવાર, 03 જૂન, 2026

કચ્છના ધોરીમાર્ગો પર રાત્રિના અંધારામાં ખેલાતો કાળો ખેલ

મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 2 : જિલ્લાના મુખ્ય ધોરીમાર્ગો અત્યારે માત્ર વાહનોની અવરજવર માટે જ નહીં, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે અને કૌભાંડ, કાળાબજાર માટે સલામત માર્ગ બની ગયા હોય તેવું ચિત્ર ઊપસે છે. ગાંધીધામથી સૂરજબારી, આડેસર તથા મુંદરાથી અંજાર અને દુધઈથી ભચાઉ પટ્ટાના ધોરીમાર્ગ આસપાસ આવેલી અમુક હાઈવે હોટેલો, ઢાબાઓ લાંબા સમયથી ગુનાખોરીના એપી સેન્ટર બન્યા હોવાના ગંભીર આક્ષેપો ઊઠી રહ્યા છે. - નાની માછલીઓ જેલમાં, મગરમચ્છો હજુ બહાર : ધોરીમાર્ગો અને આવા ધંધાઓના જાણકાર લોકોના કહેવા મુજબ ધોરીમાર્ગો આસપાસની અમુક હોટેલોમાં કન્ટેનરો, ટ્રકો, ટેન્કરોમાંથી કોલસા, ટાઈલ્સ લોખંડના સળિયા, ડીઝલ તથા ઘઉં, ચોખા, ખાંડ વગેરે વાહનચાલકોને લાલચ આપીને બારોબાર કાઢી લેવાય છે. એટલું જ નહીં આવી અમુક હોટેલોમાં આવા ટ્રકચાલકો માટે પોષડેડા, ગાંજો, અફીણ વગેરે માદક પદાર્થનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની પણ ખૂબ ચર્ચા છે. તાજેતરમાં પોલીસે અમુક હોટેલ સંચાલકો સામે ગુના નોંધીને સંતોષ માની લીધો છે, પરંતુ આ તો માત્ર હિમશિલાની ટોચ માત્ર હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. સૂત્રોએ આક્ષેપ કર્યા હતા કે, પોલીસ માત્ર નાની માછલીઓને પકડીને સંતોષનો પોરો ખાઈ રહી છે, જ્યારે ખરા મોટા કૌભાંડીઓ હજુ પણ કાયદાના સકંજાથી દૂર હોવાનું જણાવી રહ્યા છે.  - રાજકીય દબાણ કે પ્રસાદી ? કામ કરે છે તે પ્રશ્ન : ધોરીમાર્ગો પર અમુક હોટેલો, ઢાબાઓમાં આ કૌભાંડ અને નશીલા પદાર્થોનું વેચાણ થાય છે તે પૈકી અમુક સામે કાર્યવાહી કરાઈ છે જ્યારે હજુ અનેક બાકાત હોવાનું તથા તે પાછળ રાજકીય વગ કામ કરતી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આવી છત્રછાયાનાં કારણે અમુક સંચાલકો ફાવી ગયા છે. બીજી બાજુ અમુક શખ્સો પ્રસાદી આપીને બાકાત રહેતા હોવાના પણ ગંભીર આક્ષેપ સાંભળવા મળ્યા હતા. - આવા શખ્સો સામે કયારે કસાશે કાયદાનો ગાળિયો તે પ્રશ્ન : ધોરીમાર્ગોની આસપાસ આવેલી આવી અમુક હોટેલો ચોરીના માલનાં ગોદામો જ નથી પણ ગુનેગારોના અડ્ડા પણ બની રહી છે. જિલ્લાની શાંતિ અને સુરક્ષા માટે તે મોટાં ખતરાં સમાન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કોઈની શેહશરમ રાખ્યા વગર આવી હોટેલોમાં કડક તપાસ હાથ ધરી ઓપરેશન કલીનસ્વીપ ચલાવવામાં આવે  તે સમયની માંગ છે. આવી હોટેલો, ઢાબાઓમાં માદક પદાર્થોનું સેવન કરી અમુક ટ્રક, કન્ટેઈનર, ટેન્કરચાલકો ધોરીમાર્ગો ઉપર રીતસર આતંક મચાવતા હોવાના વીડિયો અગાઉ અનેક વખત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ચૂક્યા છે. પોતાની સાથે અન્યોના જીવને જોખમમાં મૂકવામાં આવે છે ત્યારે આવા બેનંબરી ધંધા ઉપર સપાટો બોલાવાશે કે પછી પ્રસાદીના જોરે આ ખેલ આમ જ ચાલુ રહેશે તેવા પ્રશ્નો લોકો કરી રહ્યા છે. 

Panchang

dd