નખત્રાણા, તા. 23 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકા
પંચાયતની ચૂંટણી પ્રક્રિયાના અંતિમ ચરણમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. પ્રમુખપદે
કોટડા (રો) બેઠક પર ચૂંટાયેલા ભારતીબેન ગોસ્વામી જ્યારે તલ બેઠક પર ચૂંટાયેલા જ્યોતિબા
સોઢા ઉપપ્રમુખપદે વરાયા હતા. જ્યારે દંડક પદ પર મંજલ બેઠક પર ચૂંટાયેલા જશોદાબેન હરીજનને
સતાધીશ પાર્ટીના આદેશ મુજબ દંડક પદે નિયુક્ત કરાયા છે. જ્યારે તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી છ બેઠક પર ભાજપા
તથા ચાર બેઠક પર કોંગ્રેસ પાર્ટીની મહિલા ઉમેદવાર જીત મેળવી હતી. જ્યારે આઠ પુરુષો
ચૂંટાતા નખત્રાણા તાલુકા પંચાયતના 18 કારોબારી સદસ્યોમાં 10 બેઠક પર ભાજપા-કોંગ્રેસની નારીશક્તિનો દબદબો રહ્યો હતો. સભામાં
નવનિયુક્ત 18 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
નખત્રાતા તાલુકા પંચાયતના સભાખંડમાં ચૂંટણી તથા પ્રાંત અધિકારી ઉજ્જવલ ઉત્સવની અધ્યક્ષતામાં
યોજાયેલ તા.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખ પદની વરણીની સામાન્ય સભામાં અધ્યક્ષ દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખના
નામો જાહેર કરાતા સભાસદો અધિકારીઓએ હોદેદારોને વધાવ્યા હતા. તા.વિ. અધિકારી હાર્દિકભાઈ
ગઢવીએ સામાન્ય સભાનો એજન્ડા વર્ણવ્યો હતો. વિસ્તરણ અધિકારી વર્ષાબેન જાનીએ પ્રસંગ પરિચય
- નવનિયુક્ત તા.પં.ના બંને પક્ષના સદસ્યોની ઓળખ વિધિ કરાવી હતી. ત્યારબાદ પ્રમુખ-ઉપપ્રમુખને
પદગ્રહણ કરાવાયું હતું. સભામાં વિ.અ. રમેશભાઈ પ્રાંત કચેરીના સિરશ્તેદાર શિવજી પાયણ,
તા.પં.ના રમેશ ગરવા, ડુંગરભાઈ રાણવા, મહિપાલસિંહ ઝાખરા જોડાયા હતા. સામાન્ય સભા પૂર્ણ
થયા બાદ પ્રમુખ-ઉપપ્રમુખનો પદાભિષેક કરાયો હતો. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લોકોના
મતથી પદ પર આવેલ હોદેદારો તથા સદસ્યો લોકોને આપેલ વચનોનું પાલન કરવા સૂચવ્યું હતું.
પ્રમુખ ભારતીબેન ગોસ્વામીએ તાલુકાના લોકોને આવશ્યક પાયાની સુવિધાના વિકાસકામો પરિપૂર્ણ
કરવા પ્રયત્નશીલ રહેવા કોલ આપ્યો હતો. કાર્યક્રમમાં
નગરપતિ વસંતભાઈ વાઘેલા, ઉપનગરપતિ દમયંતીબેન તથા ડાયાભાઈ સેંઘાણી , ભાજપા પ્રમુખ ધર્મેશ
કેશરાણી, મહામંત્રી હરિસિંહ રાઠોડ, અશ્વિન સોની, જયસુખભાઈ પટેલ, નયનાબેન પટેલ, જાગૃતિબેન
પલણ, વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્ર કંસારા સહિત પક્ષના મોટી સંખ્યામાં સદસ્યો ઉપસ્થિત
રહ્યા હતા.