ભુજ, તા. 21 : સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની
ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અનેક જૂના કોંગ્રેસી કાર્યકરો કોંગ્રેસને
અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીની સેવા, વિકાસ અને રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રભાવિત થઇને ભાજપમાં જોડાઇ રહ્યા છે.
વોર્ડ નંબર 9ના ભાજપના
ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદની અનુમતીથી
ગુજરાત કેંગ્રેસ પ્રદેશ સેવાદળના મંત્રી રહી ચૂકેલા માનસી શાહ અન્ય 30 જેટલા સમર્થકો ભારતીય જનતા
પાર્ટીમાં જોડાયા હતા. તેમની સાથે ભાજપમાં જોડાયેલા તૌસીફ મણિયાર પણ પ્રદેશ સેવાદળમાં
કાર્યરત હતા. ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ, કેડીસીસી બેન્ક ચેરમેન દેવરાજભાઇ ગઢવી, ભાજપ પ્રમુખ મીતભાઇ
ઠક્કર સહિતના પાર્ટીના અગ્રણીઓના હસ્તે આ સર્વે કોંગ્રેસી અગ્રણીઓએ ભાજપનો ખેસ ધારણ
કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસી આગેવાન અને રાજગોર સમાજના અગ્રણી
જગદીશભાઇ ગોર પણ તેમના પત્ની અને કોંગ્રેસી નગરસેવક મંજુલાબેન ગોર અને અન્ય 100 જેટલા સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે
જોડાયા હતા. રાજગોર સમાજના અન્ય અગ્રણીઓ હસમુખ રાજગોર, હિતેશ રાજગોર, લાભશંકર
ગોર, આકાશ ગોર, પંકજ માકાણી, વસુબેન બોડા તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અબ્દુલ કાસમ બજાણિયા, મિયાં મલુક સમા, આમદ તુગાજી સમા વિ. પણ ભાજપનો ખેસ ધારણ
કર્યો હતો. આ પ્રસંગે શ્રી વરચંદે જણાવ્યં હતું કે, કોંગ્રેસની
મહિલા વિરોધી માનસિકતા છતી થઇ ચૂકી છે. કોંગ્રેસ પક્ષના બે મહિલા અગ્રણીઓ સહિત અનેક
ભારતીય જનતા પાર્ટીની ઝળહળતી વિકાસધારામાં સામેલ થયા હોવાનું ઉમેર્યું હતું.