ભુજ, તા. 18 : ભારતીય આર્મી દ્વારા ગુજરાત
અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ભુજ ખાતે ઓપરેશન સિંદૂરના મહત્ત્વ અને સફળતાને ઉજાગર કરતા યુવા સંવાદ કાર્યક્રમનું
આયોજન કરાયું હતું. ભુજ મિલિટરી સ્ટેશનના કર્નલ વી.કે. સિંહ દ્વારા પ્રેઝન્ટેશનનાં
માધ્યમથી વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી. કર્નલ વી.કે. સિંહે ગેઇમ્સમાં અભ્યાસ
કરતા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને ઓપરેશન સિંદૂર દરમિયાન નાગરિકો અને કચ્છના જિલ્લા
વહીવટીતંત્રનાં સમર્થન અને સહકારને પ્રશંસનીય ગણાવ્યો હતો. વિદ્યાર્થીઓને દેશની અંદર અને સીમાપારથી રાષ્ટ્ર
વિરોધી તત્ત્વોના બદઇરાદાઓ સામે સાવચેત રહેવા અનુરોધ કરાયો હતો. ભારતીય સશત્ર દળોના એમ્બેસેડર્સ તરીકે યુવાનોની
ભૂમિકા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ દરમિયાન ભ્રામક માહિતી ફેલાવાતી અટકાવવામાં તેમની
જવાબદારીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સંબોધન દરમિયાન કર્નલ
દ્વારા વિશ્વસનીય સત્તાવાર મીડિયા હેન્ડલ્સ અને ચેનલો વિશેની માહિતી પણ શેર કરવામાં
આવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન દેશના દરેક નાગરિકે ભારતીય સેના પર વિશ્વાસ કર્યો અને
એક યોદ્ધાની જેમ ટેકો આપ્યો હતો અને તેના લીધે ભારતીય સેના અને સમગ્ર રાષ્ટ્રને તેના
ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી. આર્મી અને દેશના નાગરિકો વચ્ચે સંવાદનો સેતુ
રચાયો હતો જે વાતની આર્મી અધિકારીઓએ ખુશી વ્યક્ત કરી હતી. દેશના યુવાનો સમક્ષ ઓપરેશન
સિંદૂરની સફળતાની ગાથા રજૂ કરવી એ ભારતીય સેના દ્વારા લેવામાં આવેલી એક અનોખી પહેલ
છે. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા અદાણી કોલેજના ડીન ડો. એ.કે. ઘોષે સશત્ર દળોની પહેલની
પ્રશંસા કરી હતી. સમગ્ર સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.