ભુજ, તા. 18 : રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટીનો
વર્ષ 2025-26 માટેનો અને ક્લબનો 20મો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ઈન્સ્ટોલેશન
ઓફિસર તરીકે દિલ્હીના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગર્વનર રમેશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા, મુખ્ય અતિથિ તરીકે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ,
આસિસ્ટન્ટ ગવર્નર ધર્મેશ મહેતા, કચ્છમિત્રના તંત્રી
દીપકભાઈ માંકડ, ભુજ લોહાણા મહાજન પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે,
ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ
ઠક્કર ઉપરાંત ઈન્નરવ્હીલ ક્લબના બીનાબેન જોષી મંચસ્થ રહ્યા હતા. ગત વર્ષના પ્રમુખ દ્વિજેશ
આચાર્યએ સૌને આવકાર્યા હતા સેક્રેટરી અમર મહેતાએ 2024-25 વર્ષનો અહેવાલ રજૂ કર્યો હતો.
ચાલુ વર્ષના ગવર્નર નિગમભાઈ ચૌધરીના ડિજિટલ શુભેચ્છા સંદેશને દર્શાવવામાં આવ્યો હતો.
કેશુભાઈએ વોલસિટીના થેલેસેમિયા પ્રોજેક્ટ માટે કહ્યું હતું કે, સરકારનું કાર્ય આ સંસ્થા કરી રહી છે તથા પોતાની
શુભેચ્છા સાથે આ ઉમદાકાર્ય માટે હંમેશા સહકાર આપવાની હૂંફ પ્રદાન કરી હતી, દીપકભાઈ માંકડે સમાજસેવાનાં કાર્ય કરતી આ ક્લબ માટે કચ્છમિત્ર હંમેશા સહકાર
આપશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. ડો. મુકેશભાઈ ચંદેએ થેલેસેમિયાનાં કાર્યને બિરદાવી
હજુ મોટા ફલક પર આગળ વધવાની શુભકામના પાઠવી હતી. મીતભાઈ ઠક્કરે ગત વર્ષના હોદ્દેદારોને
અભિનંદન પાઠવી નવા વરાતા હોદ્દેદારોની કાર્યક્ષમતાની પ્રશંશા કરી હતી. જયેશભાઈ શાહે
કાર્યક્રમ માટે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી અગ્રવાલ દ્વારા વર્ષ 25-26ના પ્રમુખ હર્ષદ ભીંડે અને
સેક્રેટરી દર્શન ઠક્કરને સપથ લેવડાવ્યાં હતાં તે સમયે દીપા ભીંડે તથા યામીની ઠક્કર
સાથે જોડાયાં હતાં. પ્રમુખ હર્ષદ ભીંડેએ પ્રમુખ તરીકે આવનારાં વર્ષ માટેનું પોતાનું
વિઝન રજૂ કર્યું હતું ઉપરાંત ક્લબના બંને સિગ્નેચર પ્રોજેક્ટ થેલેસેમિયા સેન્ટર તથા
નવરાત્રિ માટે કામ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી,
ત્યારબાદ બોર્ડના સભ્યોએ પણ પોતાનાં કાર્ય માટે શપથ લીધા હતા. સતિષભાઈ
દાવડાએ ક્લબના નવા ચેરિટેબલ ટ્રસ્ટની જાહેરાત કરી હતી. ભદ્રેશભાઈ મહેતા, ચિરાગભાઈ શાહ અને જયંતભાઈ ઠકકરની આગેવાનીમાં આગામી નવરાત્રિનું આયોજન જાહેર
કરાયું હતું. ક્લબના પૂર્વ પ્રમુખોને સમાજઉપયોગી કાર્યો કરવા બદલ વિદાય રહી રહેલા પ્રમુખ
દ્વિજેશ આચાર્યનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. દત્તુ ત્રિવેદીને વર્ષ 24-25 માટે રોટેરિયન ઓફ ધ યરનો ખિતાબ
અપાયો હતો. ઈન્નરવ્હીલ ક્લબનાં વર્ષ 24-25ના પ્રમુખ યામીની ઠક્કરે પોતાનાં વકતવ્યમાં આ વર્ષ દરમ્યાન પ્રોજેક્ટ્સમાં
સહકાર આપવા બદલ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. સેક્રેટરી અને નવાં વર્ષના પ્રમુખ ઉર્વિ
સોનીએ આગામી વર્ષ માટે પોતાનું વિઝન દર્શાવ્યુ હતું. ઈન્સ્ટોલેશન ઓફિસર બીનાબેન જોષીએ
નવનિયુક્ત પ્રમુખ ઉર્વિ સોની, સેક્રેટરી
ડાલી ઠક્કર તથા ક્લબના સભ્યોનું ઈન્સ્ટોલેશન કરાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ક્લબ
પરિવારની તનિષ્કા આચાર્ય, ટીશા શાહ, હર્ષી
સોની, દિયા સોનીએ ગણપતિ વંદના રજૂ કરી હતી. એજી ધર્મેશ મહેતા
દ્વારા રોટરેક્ટ ક્લબ ઓફ ભુજ વિબ્ગ્યોરના આવનારાં વર્ષના પ્રમુખ શૈલ સોની તથા મંત્રી
દિવ્યા સોની તથા ઈન્ટરેક્ટ ક્લબના પ્રુમખ પ્રિશા ઠક્કર તથા મંત્રી ક્ષિતિજ મોતાને અવનારાં
વર્ષ માટે શપથ લેવડાવ્યાં હતાં. રાજેશ માણેકે સંચાલન કર્યુ હતું. મંત્રી દર્શન ઠક્કરે
આભારવિધિ કરી હતી. અમિત ચૌહાણ, રાજન મહેતા, બિમલ મોરબિયા, દીપ દોશી, જેકી ઠક્કર,
ભાવિન શેઠે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.