નલિયા, તા. 18 : અબડાસામાં મોટા પ્રમાણમાં વાવેતર
કરાયેલા કપાસના પાકમાં જરૂરી ખાતરની અછત સર્જાતાં ખાતરનો પુરવઠો પૂરો પાડવા ખેડૂતોએ
માંગ કરી હતી. અબડાસા તાલુકો ખેતી ઉપર નિર્ભર છે. અહીં વધુ પડતા લોકો ખેતી કરી પોતાના
પરિવારનું ગુજરાન ચલાવે છે. અબડાસામાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરાય છે. તાલુકામાં
હાલે કપાસની સિઝન શરૂ થઇ છે, ત્યારે
વાવેતરના દોઢ મહિનામાં યૂરિયા તથા ડીએપી ખાતરના અછતના કારણે કપાસને નુકસાન થવાની ભીતિ
ખેડૂતોને સતાવી રહી છે. હાલમાં તાલુકામાં દરરોજની પાંચ ગાડી પૂરી ન થાય તેવી પરિસ્થિતિ
ઊભી થઇ છે. ચોમાસા પાકવાળાને ખાતરની ખૂબ જરૂરત રહેતાં સમય ઉપર ખાતર નહીં મળે,
તો કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે તેવું લાલા ગામના ખેડૂત તથા
કિસાન મોરચાના મામદ સંગારે કહ્યું હતું. વરસાદ પાછળના સમયમાં નાઈટ્રોજન યૂરિયા ખાતરની
જરૂરત રહેતાં ખાતરની સર્જાયેલી અછતથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.