ભુજ, તા. 18 : કચ્છ-મોરબી સાંસદ દ્વારા સ્થાનિક
વિસ્તાર વિકાસ એમ.પી.એલ.એ.ડી. ભંડોળ હેઠળ વર્ષ 2014થી 2025 સુધી મળેલી
ગ્રાંટમાં 1,664 જેટલાં કામોમાંથી 1,209 કામ પૂર્ણ જ્યારે 140 કામ પ્રગતિમાં છે, તો લોકોની સુખાકારી અને વિકાસને લગતા વિવિધ
પ્રકારનાં કામો માટે સાંસદ કટિબદ્ધ છે. એમ.પી.એલ.એ.ડી. સ્થાનિક વિસ્તાર વિકાસ ભંડોળ
હેઠળ 16મી, 17મી અને 18મી લોકસભા દરમ્યાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાને ફાળવાયેલી
રકમમાંથી સાંસ્કૃતિક હોલ, કારીગર કોમન
વર્ક શેડ, દર્દી વાહિની એમ્બ્યુલન્સ, શાળા
માટે ઓરડા, લાયબ્રેરી, રમત-ગમત મેદાન સુધારણા,
પૂર સંરક્ષણ દીવાલ, ડસ્ટબીન, તાલીમ ભવન, સ્નાનઘાટ, ગૌશાળા,
ઘાસ ગોડાઉન, પેવરબ્લોક, સી.સી.
રોડ, જવાનો માટે એરકૂલર, બેસવાના બેંચિસ
જેવાં કામો કચ્છ-મોરબી લોકસભા ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે ગ્રાંટ દરખાસ્ત મોકલી
છે, જેમાં 16મી લોકસભા વર્ષ 2014થી 2019 સાંસદ તરફથી
28 કરોડ 94 લાખ 97 હજારમાં 896ના કામ, 17મી લોકસભા
વર્ષ 2019થી 2024માં 20 કરોડ 59 લાખ 20 હજારના 555 કામ તેમજ 18મી લોકસભા વર્ષ 2024થી 2025 જુલાઇ માસ દરમ્યાન 210 કામ માટે 9 કરોડ 80 લાખની દરખાસ્ત ફાળવી આપવામાં આવી છે, તેમ જણાવતાં સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું
કે, વર્ષ 2014થી 2019 પહેલી ટર્મ, વર્ષ 2019થી 2024 બીજી ટર્મ દરમ્યાન સરકાર તરફથી
ફાળવવામાં આવેલી રકમના 1,451 વિકાસનાં
કામોની દરખાસ્ત કરી છે, જેમાંથી બે
ટર્મ દરમ્યાન ટેકનિકલ ખામીઓથી અંદાજિત 73 કામ રદ થયા છે. વર્ષ 2024-25 અને 2025-26ના
બે વર્ષ દરમ્યાન 210 સૂચવેલાં
કામમાંથી 5ાંચ પૂર્ણ થયાં છે, બાકી વિકાસકામો સૈદ્ધાંતિક મંજૂરી અને તાંત્રિક
મંજૂરીની અપેક્ષાએ પ્રગતિમાં છે. સાંસદે જણાવ્યું હતું કે, 18મી લોકસભા બે વર્ષ દરમ્યાન મળેલી ગ્રાંટમાંથી
210 કામ રૂા. 9 કરોડ 80 લાખની રકમની દરખાસ્ત ઈ-સાક્ષી પોર્ટલ ઉપર ઓનલાઇન કરવામાં આવી
છે, જે કામો આયોજન કચેરી હસ્તક પ્રગતિમાં છે. સરકારની
ગાઈડલાઇન અનુસાર લોકોની સુખાકારી અને વિકાસને લગતા વિવિધ પ્રકારનાં કામો આરોગ્ય,
શિક્ષણ, જાહેર તેમજ સામૂહિક સાંસ્કૃતિક હોલ,
કારીગર કોમન વર્ક શેડ જેવી સુવિધાઓ, સુરક્ષા,
સલામતી, પીવાનાં પાણી અને સેનિટેશનનાં કામોની દરખાસ્તો
કરવામાં આવી છે. પ્રજાકીય પ્રશ્નો, સુવિધાઓને હંમેશાં સાંસદે
પ્રાથમિકતા આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત પરિયોજનાનાં કામો સારી રીતે થાય
માટે રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહી કામો
પૂર્ણ થાય માટે સાંસદ કટિબદ્ધ છે.