• શનિવાર, 19 જુલાઈ, 2025

ઝુરાને આખરે માધ્યમિક શાળાનું નવું મકાન નસીબ થશે

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 18 : પાવરપટ્ટીનાં ઝુરા ગામમાં આજથી નવેક વર્ષ અગાઉ રાજ્યના શિક્ષણમંત્રીએ રૂબરૂ આવી માધ્યમિક શાળાની મંજૂરી આપી હતી, પરંતુ ગમે તે કારણોસર બાંધકામની પ્રક્રિયા ઘણાં વર્ષો ટલ્લે ચડયા પછી આખરે 2.24 કરોડ ગ્રાન્ટની ફાળવણી થતાં દીપાવલિ આસપાસ ગામને માધ્યમિક શાળાનું સુવિધાસભર નવું સંકુલ તૈયાર થઇ જવાની આશા સાથે ગામ લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. લગભગ 6500 જેટલી વસ્તી ધરાવતાં ભુજ તાલુકાના છેવાડાનાં ઝુરા ગામે વર્ષ 2016માં રાજ્યના તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કન્યા શાળાના નવાં સંકુલનું લોકાર્પણ કરવા આવ્યા હતા. સંકુલના ઉદ્ઘાટન સમારંભમાં જ ગામલોકોએ માધ્યમિક શાળાની માગણી મૂકી હતી. એ જ વખતે શિક્ષણમંત્રીએ ગામની માધ્યમિક શાળા મંજૂર કરી હોવાની જાહેરાત કરતાં ગામજનોમાં ભારે આનંદની લાગણી ફેલાઇ હતી. એટલું જ નહીં માધ્યમિક શાળાનું ભવ્ય મકાન બનાવવા માટે ગામના જ દાતા હારુન સાલેમામદ જતે આગળ આવી એક એકર જમીન દાનમાં અર્પણ કરી હતી. ગામમાં માધ્યમિક શાળાની મંજૂરી મળી ગયા પછી જ્યાં સુધી શાળાનું માળખું ઊભું ન થાય ત્યાં સુધી ધો. 9 અને 10ના વર્ગ કન્યા શાળામાં શરૂ કરવામાં આવ્યા હતા અને પાછળથી એ મા. શાળા ગામના બસ સ્ટેશન પાસે આવેલી કુમાર શાળામાં કાર્યરત કરાઇ છે. એકાદ વર્ષ બાદ ગામલોકોને જાણ થઇ કે શાળા માટે ગ્રાન્ટ ફાળવાઇ છે. ગામજનો પણ ભારે આશાવાદી બની શાળા નિર્માણની વાટ જોતા રહ્યા તે જોતા જ રહ્યા. પ્રાથમિક શાળામાં પણ ભારે  અગવડતા વચ્ચે માધ્યમિક શિક્ષણ જારી રહ્યું. વચ્ચે આ મા. શાળાને કોમ્પ્યુટર લેબની પણ ફાળવણી કરાઇ, પરંતુ શાળાના મકાનના અભાવે એ સુવિધા પરત કરવાને બદલે  નજીકના સુમરાસર-શેખની મા. શાળાને આપી દેવાઇ. છેલ્લે 2022માં  ભૌતિક સુવિધા વિહોણી આ મા. શાળાને  ઉચ્ચતર માધ્યમિકની સુવિધા પણ મંજૂર થતાં 11 અને પછી 12 ધોરણ પણ શરૂ કરાયા હતા. આખરે ગામને ધીરજના ફળ મળતાં ચાલુ વર્ષે શાળાના મકાન માટે રાજ્ય સરકારે 2.24 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરી. ટેન્ડરની પ્રક્રિયા પૂરી થયા બાદ બાંધકામની શરૂઆત થઇ. ગામના અગ્રણી સરૂપાજી તુંવરની દેખરેખ હેઠળ આઠ જેટલા વર્ગખંડ, કોમ્પ્યુટર અને વિજ્ઞાન લેબોરેટરી, પુસ્તકાલય, કાર્યાલય સહિતની અત્યાધુનિક સુવિધાસભર બે માળનાં મકાન સાથે શાળા સંકુલનું  નિર્માણ હાલ પૂર્ણતાના આરે પહોંચ્યું છે. ગામના યુવા સરપંચ તુષારભાઇ ભાનુશાલીના જણાવ્યા મુજબ રૂા. 2.24 કરોડના ખર્ચે 1200 ચો.મીટર વિસ્તારમાં શાળાનું નવું સંકુલ ઊભું થતાં ગામલોકોમાં ભારે આનંદ છે. ઝુરા ગામ ઉપરાંત લોરિયા, ઝુરા-કેમ્પ, જતવાંઢ અને વાડી વિસ્તારના લગભગ 131 જેટલા વિદ્યાર્થી માધ્યમિક અને ઉ. માધ્યમિકનું શિક્ષણ સહેલાઇથી મેળવી શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળાનું બાંધકામ મોટાભાગે પૂરું થવાની તૈયારીમાં છે. રંગ-રોગાનનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિવાળી પહેલાં શાળા તૈયાર થઇ ગયા પછી નવા સત્રથી શાળા શિક્ષણ કાર્યથી ધમધમી ઊઠશે તેમ કહ્યું હતું. 

Panchang

dd