• શનિવાર, 19 જુલાઈ, 2025

સરકાર માટે કચ્છ એટીએમ, વાર્ષિક આવક એક લાખ કરોડ

અઝીમ શેખ દ્વારા : ગાંધીધામ, તા. 18 : ભૂકંપ બાદ કચ્છમાં સર્જાયેલી  ઔદ્યોગિક ક્રાંતિથી સરહદી કચ્છ  જિલ્લાની તસવીર બદલી ગઈ છે.  માળખાંકીય સુવિધાઓનો વિકાસ થયો છે. પછાત ગણાતા કચ્છનો વિકાસ જેટ ગતિએ થયો તેની પાછળ મહત્ત્વનું પરિબળ ઔદ્યોગિકીકરણ જ છે તે કહેવામાં અતિશયોક્તિ નથી. સાથોસાથ  આ ઔદ્યોગિક ક્રાંતિ સરકારને પણ બમણી ફળી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. જંત્રીના વધેલા ભાવનાં કારણે રહેણાક કે ભાડાકરાર, જમીન લે-વેચ સહિતના સોદાથી સ્ટેમ્પ ડયૂટીની આવક તો મોટી જ છે, પરંતુ ઉદ્યોગોની જમીનના થતા વેચાણ, આયાત-નિકાસમાં ડયૂટી સહિતની આવકનો આંકડો   અબજોએ પહોંચે છે. ઔદ્યોગિકીકરણથી કચ્છ સમૃદ્ધ થયું, સાથેસાથે સરકારની તિજોરી પણ એટલી જ સમૃદ્ધ બની છે. - મહાબંદરોનાં કારણે કચ્છ પસંદગીનું સ્થળ : તત્કાલીન સમયે કેન્દ્ર સરકાર દ્વારા કચ્છમાં પાંચ વર્ષ સુધી ટેક્સ હોલી-ડેની જાહેરાત કરી અને આ યોજનાનો લાભ લેવા માટે અનેક મહાકાય ઔદ્યોગિક એકમો  કચ્છમાં સ્થપાયા. કચ્છમાં સ્ટીલ પ્લાન્ટ, એડિબલ ઓઈલ, સિમેન્ટ, ટેક્સટાઈલ, પાઈપ સહિતનાં અનેક એકમો ધમધમી રહ્યાં છે. ખાસ તો મહત્ત્વની બાબત એ છે કે, 40થી 50 કિલોમીટરમાં મહાબંદરો કંડલા, તુણા ટેકરા અને ખાનગી મુંદરા બંદરનાં કારણે આયાત-નિકાસની સુવિધા પણ નજીક છે, જેથી કચ્છ ઔદ્યોગિક એકમો માટે  પસંગીનું સ્થળ બન્યું છે. - 2024માં સ્ટેમ્પ ડયૂટીથી 470.80 કરોડની આવક : ઉદ્યોગો માટે જમીનોની લે- વેચ દરમ્યાન રાજ્ય સરકારની તિજોરીને સ્ટેમ્પ ડયૂટી અને રજિસ્ટ્રેશન ફીની જબરી આવક થઈ રહી છે. વર્ષ 2024માં જ 470.80  કરોડની આવક થઈ હતી. આંકડા તો માત્ર 2024ના છે અને આ દરમ્યાન કચ્છના તમામ તાલુકાઓમાંથી 78,921 દસ્તાવેજો થયા હતા.  જો કે, એ પહેલાંનાં વર્ષોમાં  નોંધાયેલા દસ્તાવેજોનો આંક  અનેકગણો હતો, તો સ્ટેમ્પ ડયૂટી અને ફીની આવકનો આંક અનેકગણો ઊંચો છે.  દસ્તાવેજોના આંકડામાં 80 ટકા ઔદ્યોગિક એકમોના જ હોવાનું  જાણકારોએ જણાવ્યું હતું. - કસ્ટમ ડયૂટીની આવક અધધધ : આ વાત થઈ માત્ર સ્ટેમ્પ ડયૂટી અને ફીની, પણ ઉદ્યોગોનાં કારણે અન્ય આવકનો આંકડો તો એનાથી પણ ઊંચો છે. હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીને કચ્છમાંથી થતી કુલ આવકનો અંદાજ એક લાખ કરોડ જેટલો  હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. તેમાંથી કસ્ટમ ડયૂટી કે એક્સપોર્ટ, ઈમ્પોર્ટ ઉપર લાગે છે તેનો આંકડો વાર્ષિક 58 હજાર કરોડ છે. આ ઉપરાંત મોર્ગેજની ફીની આવક અલગ  પ્રવર્તમાન રોકાણમાં જ રાજ્ય અને કેન્દ્ર સરકારની આવક હાલ  એક લાખ કરોડની ઉપર છે. હજુ 10 લાખ કરોડનું રોકાણ  પાઈપલાઈનમાં છે, ત્યારે તે  એકમો ધમધમતા થઈ જશે, ત્યારે આ આંકડો કેટલે પહોંચશે. હાલની સ્થિતિએ માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરના તમામ જિલ્લાઓમાં સર્વાધિક આવક કચ્છ જિલ્લામાંથી થાય છે. - નવાં એકમોની ગતિવિધિ તેજ : હાલ વાત કરીએ તો ભચાઉ તાલુકામાં જ ટી.આર.એલ.- કોરોસાકી, આઈ.એફ.જી.એલ.કરમતારા એન્જિનીયર્સ પ્રા. લિ., કુંદન કેમિકલ સહિતની કંપનીઓ દ્વારા કચ્છમાં એકમો શરૂ કરવાની કવાયત આદરવામાં આવી છે.  ઉત્તર ભારતમાંથી પ્લાયવૂડની મોટી કંપનીઓ પણ અહીં આવી રહી છે, ત્યારે આગામી વર્ષમાં પણ સ્ટેમ્પ ડયૂટીની આવકનો આંક  ઊંચો જવાની સંભાવના છે. આ ઉપરાંત જો 10 લાખ કરોડનું વધુ  મૂડીરોકાણ ધમધમતું થશે, તો  આયાત-નિકાસ ઔર વધશે  જેથી સરકારની તિજોરી ઔર છલકાશે. રેલવે થકી પણ સરકારને માતબર આવક કચ્છમાંથી થઈ રહી છે. પશ્ચિમ રેલવેના તમામ ઝોનમાં અમદાવાદ ડિવિઝન માલ પરિવહનમાં પ્રથમ ક્રમે આવી રહ્યું છે, તેમાં 80 ટકા યોગદાન  કંડલા અને મુંદરા બંદરે થતા માલ પરિવહનનું છે. એક સમયે માગણી કરતું કચ્છ સરકાર માટે ટંકશાળ બન્યું છે. આગામી સમયમાં તુણા ખાતે મેગા કન્ટેનર ટર્મિનલ, કંડલા ખાતે પાંચ મોટા હાઈડ્રોજન ઉત્પાદનનાં એકમો તેમજ અનેક પ્રકારના મહાકાય એકમોને ધમધમતા કરવાની દિશામાં હિલચાલ તેજ થઈ છે. જિલ્લાના રોડનું માળખું હાલના  ટ્રાફિકની આવન-જાવનમાં જ હાંફી ગયું હોવાનું અવારનવાર સર્જાતા ટ્રાફિકજામના બનાવો ઉપરથી સમજાઈ રહ્યું છે. ટંકશાળ બનેલા કચ્છનાં આ માળખાંને વધુ મજબૂત બનાવવામાં આવે તેવી માંગ જિલ્લાના જાગૃત નાગરિકો કરી રહ્યા છે. 

Panchang

dd