કોઠારા (તા. અબડાસા), તા. 18 : અમદાવાદમાં
સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટના હજુ તાજી જ છે,
તો બે દિવસ અગાઉ ભુજના એરપોર્ટ પર મુસાફરોની ટિકિટ હોવા છતાં તેઓ જઈ
શક્યા નહોતા. આવા નાના-મોટા બનતા બનાવો વચ્ચે મંગળવારે ભુજના છ મુસાફર સહિત કુલ 140 યાત્રીને લઈને બેંગ્કોકથી અમદાવાદ
આવી રહેલું થાઈલાઈન એર એસએલ 212 વિમાનનું
પણ ઉડાન ભર્યા બાદ ટેકનિકલ ખામીના કારણે તાકીદનું ઉતરાણ કરાયું હતું. વિમાનમાં સર્જાયેલા
ખોટીપા બાદ અચાનક એસી બંધ થયું હતું, જેથી લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. વિમાનમાં સવાર યાત્રીઓ પૈક એક મહિલા
પણ બેભાન થઈ હતી. જો કે, સદ્ભાગ્યે ખામીની જાણ થતાં પાઈલટે ત્યાંના
એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ત્યારબાદ વિમાનને પરત બેંગ્કોક લવાયું હતું,
જ્યાં તેની તપાસ કરાતાં આ વિમાન ઉડાન ભરી શકવા અસમર્થ હોવાનું ખુલ્યું
હતું, ત્યારબાદ મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, એરપોર્ટ સત્તાવાળાઓએ
બીજા વિમાનની વ્યવસ્થા ગોઠવી આપતાં બુધવારે સવારે વિમાને અમદાવાદ માટે ઉડાન ભરી હતી.