• શનિવાર, 19 જુલાઈ, 2025

કચ્છની ભૌગોલિક સ્થિતિ તમામ રમતો માટે શ્રેષ્ઠ

ભુજ, તા. 18 : કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ  અને આબોહવા એવી છે કે, અહીં તમામ પ્રકારની રમતો શક્ય હોવાથી કચ્છમાં ખેલને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે તેવો અનુરોધ આજે ભુજ ખાતે શરૂ થયેલી રાજ્ય કક્ષાની બાસ્કેટ બોલ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં બાસ્કેટબોલ ખેલાડી રહી ચૂકેલા પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષક વિકાસ સુંડાએ જણાવ્યું હતું. સ્પર્ધામાં ભાઇઓની 16 તથા બહેનોની 10 ટીમ ભાગ લઇ રહી છે. ગુજરાત રાજ્ય કક્ષાની જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો ભુજ નજીકનાં સૂર્યા વરસાણી સંકુલ ખાતે ધારાસભ્ય કેશુભાઇ પટેલ, કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહન પટેલ વગેરેની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. 17 વર્ષ બાદ કચ્છમાં આ પ્રકારે રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા જુદા-જુદા જિલ્લાના સ્પર્ધકોને સંબોધતાં એસ.પી. શ્રી સુંડાએ કહ્યું કે, આજથી 21મી સુધી ચાલનારી આ પ્રકારની બાસ્કેટબોલની સ્પર્ધા છે, પરંતુ સ્પર્ધામાં તમામ ક્ષેત્રના ચંદ્રક મેળવી ચૂકેલા ખેલાડીઓ પણ હાજર છે. યુવા પેઢીને નશો કે મોબાઇલ જેવી રમતો કે અન્ય બદીઓમાં જોડાવાને બદલે ખરેખર પોતાની પસંદગીના ખેલમાં રુચિ દાખવવી જોઇએ. ખેલાડીઓ રમતોમાં ભાગ લઇ ખેલભાવના પ્રગટ કરે તેવો અનુરોધ કરી ઉપસ્થિત ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઇ પટેલ સહિતના મહેમાનોએ જણાવ્યું કે, કચ્છનો વિસ્તાર એ દરેક રમતો માટે ઉત્કૃષ્ટ છે. ખરેખર આ જિલ્લામાં  રમતના આયોજન થવા જોઇએ. તેમણે `કચ્છમિત્ર' દ્વારા કચ્છમાં હંમેશાં રમતને પ્રોત્સાહન આપવામાં આવે છે ને બાસ્કેટબોલમાં પણ આ સહયોગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિયેશન દ્વારા આયોજિત અને પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના સહકારથી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં સ્વાગત પ્રવચન કરતાં રાજ્ય એસો.ના મંત્રી રફીક  શેખે કચ્છના સંસ્મરણો તાજાં કરી કચ્છમાં ખેલાડીઓ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઇ પટેલ, ડી.એફ.ઓ. આયુષ વર્મા, કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ, કર્નલ સાંગવાન, બાસ્કેટબોલ રાજ્ય એસો.ના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિંગ કમાન્ડર શ્રી મિશ્રા, લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઇ ગોરસિયા, કુલપતિ ડો. મોહન પટેલ, કચ્છના કો-ઓર્ડિનેટર બળવંતસિંહ જાડેજા, મંત્રી સજ્જનસિંહ જાડેજા, શિક્ષણાધિકારી સંજય પરમાર, આર્ચિયનના આર.પી. સિંઘ, બી.કે.ટી.ના શ્રી ઝાલા, આશાપુરાના મનુભા જાડેજા, નિવૃત્ત પોલીસ અધિકારી દિલીપ અગ્રાવત, દૂન પબ્લિક સ્કૂલના નેહા ઠક્કર, સારિકા શર્મા, સૂર્યા વરસાણીના પ્રિન્સિપાલ વિનીતા રાજીત વગેરે હાજર રહ્યા હતા. બાસ્કેટબોલના ખેલાડીઓ તથા પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુદા જુદા પ્રકારની રમતોમાં ચંદ્રક મેળવી ચૂકેલા ખેલાડીઓને બોલાવી મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કપિલ ગોસ્વામીએ સંચાલન કર્યું હતું. 

Panchang

dd