• બુધવાર, 14 ઑક્ટોબર, 2026

મણિપુરમાં ફરી હિંસાની આગથી તાણ

ઇમ્ફાલ, તા. 12 : મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ઉગ્રવાદી હુમલામાં ઓછામાં ઓછા નવ જણનાં મોત થઇ ગયાં છે. તે પૈકી બાવન વર્ષીય અજિનબોઉ આરનું માથું હજુ સુધી મળ્યું નથી. આમ મણિપુરમાં ફરી એક વખત હિંસાથી તાણ વધી છે. આ ઘટનાથી રોષે ભરાયેલાં નાગા લોકોનું સંગઠન `જોઇન્ટ ટ્રાઇલ્સ કાઉન્સિલ'-મણિપુરે માથું 48 કલાકની અંદર પરિવારને સોંપવાનું આખરીનામું આપ્યું છે. સંગઠને સ્પષ્ટ કહ્યું હતું કે, માથું નહીં મળે ત્યાં સુધી પોસ્ટ મોર્ટમ કરવા દેવાશે નહીં. આ હિંસા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવતાં તેમની માંગ પૂરી નહીં થાય તો આકરાં પગલાં ભરવાની ચેતવણી આપી હતી. શનિવારે મકુઇ અશાંગ ગામમાં થયેલા હુમલામાં અજિનબોઉ આર.ની હત્યા કરાઇ હતી. બીજા દિવસે તેમનાં માથા વિનાનો મૃતદેહ ઇમ્ફાલના જવાહરલાલ નેહરુ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ ખાતે લવાયો હતો. પછી નાગા સંગઠને અજિનબોઉનું માથું ન હોવાનું કહ્યું હતું. સંગઠને કહ્યું હતું કે, પરિવારને સન્માન સાથે અંતિમસંસ્કાર કરવાનો અધિકાર છે, તેથી અજિનબોઉનું માથું પરિવારને સોંપવું જોઇએ ઉગ્રવાદીઓ દ્વારા તે માથાંને ટ્રોફીની જેમ દેખાડવામાં આવ્યું તે માનવતાની વિરુદ્ધ ગુનો ગણાવી આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. સંગઠને માથું પરત કરવા 48 કલાકની મુદત સાથે ચેતવણી આપી છે કે, જો તેમની માગણી પૂરી નહીં કરાય તો  ન્યાય માટે આકરાં પગલાં ભરવામાં આવશે. આ ચેતવણી બાદ વિસ્તારમાં તણાવ વધવાની શક્યતા છે. મુખ્યમંત્રી વાય. ખેમચંદસિંહે હત્યાની ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે, અધિકારીઓને પરિસ્થિતિ પર અંકુશ મેળવવા, કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને બધા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે. હવે હિંસા અટકાવી અને બન્ને સમુદાય વચ્ચે તણાવ ઓછો કરવાનો તંત્ર સામે પડકાર છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd