• બુધવાર, 03 જૂન, 2026

ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય

અમદાવાદ, તા. 2 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગત 30 મેથી જ પ્રિ મોન્સુન એક્ટીવિટીની જાહેરાત કરવામાં આવી છે તે અનુસાર પ્રદેશવાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીએ ભયાનક જોર પકડ્યું છે. હવામાન વિભાગની તાજી અખબારી યાદી અનુસાર, વાતાવરણમાં એકસાથે 3 શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ સર્જાવાની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગે 2થી 5 જૂન સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 50થી 60 કિમી સુધી પહોંચી શકે છે. આ આકાશી પલટાને પગલે હવામાન વિભાગ દ્વારા તંત્ર અને નાગરિકોને અત્યંત સાવચેત રહેવા અને કડક સાવચેતી રાખવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.  આવતીકાલે યલો એલર્ટ જારી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રમાં ખાસ જોઇએ તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિક દ્વારકા, અમદાવાદ, મધ્ય ગુજરાત તેમદ દક્ષિણ ગુજરાત, તેમજ 4 જૂનના ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાત અને 5 જૂનના  સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે.  આ સિવાય સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી ગંભીર આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને જોતા માછીમારોને પણ દરિયો ન ખેડવા કહી દેવાયું છે. આગામી 48 કલાક રાજ્ય માટે ભારે હોવાથી લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આજે સાંજે નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર નાખતા જણાય છે કે આજે સૌથી વધુ તાપમાન ભુજમાં 41 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે જ્યારે અમદાવાદમાં 37, રાજકોટમાં 40.7, અમરેલીમાં 38.9, ભાવનગરમાં 36.4, બરોડામાં 36.4, ડીસામાં 36.8, કંડલામાં 37.7, સુરેન્દ્રનગરમાં 38.3 તેમજ સુરતમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર 1 જૂન રાતથી જ રાજ્યના અનેક પ્રદેશોમાં વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટક્યું હતુ. અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. આ સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર એમ તમામ જિલ્લાઓમાં ગઇકાલે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ગીજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આજે સવારે પ્રાપ્ત આંકડાઓ અનુસાર 150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં 4 ઇંચ પડ્યો હતો. 

Panchang

dd