નવી
દિલ્હી,
તા. 1 : ભારત-અમેરિકા વચ્ચે સફળતાપૂર્વક ટ્રેડ ડીલ કરવા
માટે ઘણી બેઠકો યોજાઈ હતી, ઘણા સમયથી તેની રાહ પણ જોવાઈ
રહી છે, ત્યારે હવે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને
અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ સમજૂતી અંગે મહત્વનું અપડેટ આપ્યું છે. ગોયલે
કહ્યું કે, બન્ને દેશો વચ્ચેની ડીલનું લગભગ 99 ટકા
કામ પુરૂ થઈ ગયું છે અને હવે તે અંતિમ તબક્કામાં છે. એટલે કે ટૂંક સમયમાં તેની
મોટી જાહેરાત થઈ શકે છે. ટ્રેડ ડીલ ફાઈનલ કરવા માટે બે થી ચાર જૂન દિલ્હીમાં બેઠક
યોજાવાની છે. અમેરિકાના સીનિયર ટ્રેડ અધિકારીઓનું મોટા ડેલિગેશને ભારત આવવાની
શરૂઆત કરી દીધી છે. ગોયલે કહ્યું કે, હવે બન્ને
દેશો વચ્ચે ડીલ સબંધિત મોટા મુદ્દા અંગે કોઈ વિવાદ નથી, માત્ર
નાની ટેકનિકલ બાબતો સુધારવાની બાકી છે. ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, અમેરિકા સાથે ફાઈનલ ડીલ થતાં જ બન્ને દેશોનો વેપાર આગળ વધતો થઈ જશે. આના
બન્ને દેશોની અર્થવ્યવસ્થાને લાભ મળવાનું શરૂ થઈ જશે. વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના
જણાવ્યા મુજબ, ભારત મસજૂતી મામલે પોતાના હિતો પર અડગ છે.
ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકન માર્કેટમાં અન્ય દેશો
કરતા વધુ તક ન મળે તેવી કોઈપણ સમજૂતી માટે અમે તૈયાર નથી. ભારત ઈચ્છે છે કે,
અમેરિકાના નવા ટેરિફ નિયમોમાં કરાયેલા ફેરફારોને સમજૂતીમાં યોગ્ય
રીતે સામેલ કરવામાં આવે. નવા ટેરિફ દર કેટલા હશે, તે પણ
સેક્શન-301 તપાસ્યા
બાદ નક્કી કરાશે. આ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થયા બાદ અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમિસન
ગ્રીર અને વાણિજ્ય મંત્રી ગોયલ વચ્ચે એક મોટી બેઠક યોજાશે, જેમાં ડીલને અંતિમ રૂપ આપવામાં આવશે.