• બુધવાર, 03 જૂન, 2026

નૈઋત્ય ચોમાસું બે-ત્રણ દિ'માં કેરળ કાંઠે પહોંચશે

નવી દિલ્હી, તા. 1 : ઉકળાટ વચ્ચે દેશના વિવિધ ભાગોમાં વરસાદી વહાલ વરસતાં વર્તાયેલી રાહતમાં વધારો કરે તેવા સમાચારમાં ચોમાસું આગામી બેથી ત્રણ દિવસમાં જ કેરળનો કાંઠો ભીંજવશે તેવો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે. સામાન્ય રીતે પહેલી જૂનની આસપાસ જ કેરળમાં પહોંચી જાય છે, પરંતુ આ વખતે વરસાદી મોસમની ગતિ કઈંક ધીમી છે. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું હતું કે, અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, કેરળ, તામિલનાડુના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે હવામાન સાનુકૂળ બનવા માંડયું છે. સાથોસાથ બંગાળની ખાડીના ઘણા વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધી શકે છે, તેવું પૂર્વાનુમાન મોસમ વિજ્ઞાન વિભાગે આપ્યું હતું. દરમ્યાન એક ચિંતાજનક વર્તારામાં દેશના હવામાન તંત્રએ કહ્યું હતું કે, આ વર્ષે ભારત દેશમાં આખી મોસમ દરમ્યાન લાંબા ગાળાની સરેરાશના લગભગ 90 ટકા એટલે કે, સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. લાંબાગાળાની સરેરાશ કોઈ ક્ષેત્રમાં 30થી 50 વર્ષ દરમ્યાન થયેલા સરેરાશ વરસાદને કહેવા છે એ મુજબ વરસાદ સામાન્યથી ઓછો રહી શકે છે. આમ થવાનું મોટું કારણ અલ નીનો બની શકે છે. અલ નીનોમાં પ્રશાંત મહાસાગરનું પાણી સામાન્યથી વધુ ગરમ થઈ જતાં વરસાદ ઘટી શકે છે. હવામાન વિભાગે અગાઉ અંદાજ લગાવ્યો હતો કે, ચોમાસું 26 મેના રોજ કેરળમાં પહોંચશે, પરંતુ બાદમાં તેની ગતિ ધીમી પડી ગઈ હતી. હવે તે જૂનના પ્રથમ સપ્તાહમાં પહોંચવાની શક્યતા છે. હાલમાં સમગ્ર દેશમાં હીટવેવ (લૂ)ની અસર સમાપ્ત થઈ ગઈ છે. રાજસ્થાનના અજમેર, નાગૌર અને ચિત્તૌડગઢમાં સોમવારે કરા પડયા હતા. મધ્યપ્રદેશના 4 જિલ્લામાં આંધીઓ અને વરસાદનો માહોલ યથાવત્ છે. ઉત્તરપ્રદેશના ઝાંસી અને લલિતપુરમાં ભારે વરસાદ થયો હતો. જ્યારે 63 જિલ્લાઓમાં આંધી અને વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિહારના સાસારામમાં પણ બપોર બાદ વરસાદ પડયો હતો. ઉપરાંત ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબ સહિત 27 રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વર્ષે દેશમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. સમગ્ર સિઝનમાં વરસાદ લાંબા ગાળાની સરેરાશના આશરે 90  ટકા જેટલો રહેવાનો અંદાજ છે. જો કોઈ વર્ષે વરસાદ લાંબાગળાની સરેરાશના 90 ટકા કરતાં ઓછો રહે, તો તેને સામાન્ય કરતાં ઓછા વરસાદની શ્રેણીમાં ગણવામાં આવે છે. હાલમાં પ્રશાંત મહાસાગરમાં પરિસ્થિતિ ધીમે ધીમે અલ નીનો તરફ આગળ વધી રહી છે. હવામાન વિભાગનો અંદાજ છે કે, જૂન મહિનામાં અલ નીનો નબળો રહી શકે છે, પરંતુ સપ્ટેમ્બર સુધીમાં તે મધ્યમ અથવા મજબૂત સ્વરૂપ ધારણ કરી શકે છે.

Panchang

dd