નવી દિલ્હી, તા. 11 : અદાણી જુથના ચેરમેન
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ભારત હવે વધતા વિસ્તરણ થકી નહીં, પરંતુ `વૃદ્ધિશીલ પ્રવેગ` દ્વારા વિકાસ કરી રહ્યું છે,
જ્યાં માળખાગત સુવિધાઓનું પ્રત્યેક નવું સ્તર આર્થિક વિકાસના હવે પછીના
તબક્કાને વિસ્તૃત કરે છે. આજે નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ની
વાર્ષિક વ્યાપાર શિખર 2026ને સંબોધતા તેમણે
કહ્યું હતું કે ભારતમાં માર્ગો, બંદરો, એરપોર્ટ, કારખાનાઓ,
ઉર્જા સંપત્તિઓ અને ડેટા સેન્ટરોનું ઝડપી નિર્માણ સમગ્ર અર્થતંત્રમાં
ગુણકાંક અસર પેદા કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ ગતિએ વિકાસ થશે તો ભારત દરેક દાયકામાં
તેના જીડીપીમાં એક નવા યુરોપિયન અર્થતંત્રની સમકક્ષ ઉમેરો કરી શકે છે. આ રેખીય વિકાસ
નથી. તે રાષ્ટ્રીય શક્તિને સંકલિત કરી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું
હતું. અદાણીએ કહ્યું કે દેશ ઉત્પાદન, ગતિશીલતા, લોજિસ્ટિક્સ, ડિજિટલ સેવાઓ અને ગ્રાહકલક્ષી બજારોમાં
પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી માંગને અનુરુપ નિર્માણ કરી રહ્યો છે. તે દ્રષ્ટીએ ભારતની
તક એક અનોખી છે. તેમણે અપેક્ષા વ્યકત કરતા કહ્યું કે ભારત પહેલાથી જ 500 ગીગાવોટ સ્થાપિત પાવર ક્ષમતાને વટાવી ચૂક્યું છે અને
તમામ ક્ષેત્રોમાં એઆઈને અપનાવવાની ગતિ ઝડપી બનતા ઊર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં
નોંધપાત્ર વિસ્તરણની જરૂર પડશે. એઆઈને
ફક્ત સોફ્ટવેર તરીકે નહીં, પરંતુ ઊર્જા, કમ્પ્યુટ, નેટવર્ક્સ,
ચિપ્સ, ડેટા સેન્ટર્સ, એપ્લિકેશન્સ
અને પ્રતિભા પર બનેલા સંપૂર્ણ આર્થિક સ્ટેક તરીકે જોવું જોઈએ એમ તેમણે કહ્યું હતું.