ભુજ, તા. 12 : પશ્ચિમ કચ્છના સાગરકાંઠે તણાઈ આવતા માદક પદાર્થો અને ડ્રોનના પાંખિયા તથા
ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમનો ભંગાર મળતાં સુરક્ષા એજન્સીઓની સાથે-સાથે સ્થાનિક
પોલીસ પણ સજ્જ બની છે અને પોલીસે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે.
દેશની સુરક્ષા અર્થે કોઈ કચાશ ન રખાય તે ધ્યાનમાં
લઈને વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજી અને કોસ્ટલ પોલીસ ખાસ ટીમો
બનાવી રાઉન્ડ ધી ક્લોક ઊંટ,
ઘોડા, બાઈક અને ફૂટ પેટ્રોલિંગ સાથે સજ્જ બની છે.
જેની સફળતાના ભાગરૂપે ગત તા. 2/5થી અત્યાર સુધી માદક પદાર્થના 62 પેકેટ જેની કિં. રૂા. 1.55 કરોડનો
મુદ્દામાલ મળ્યો છે. આ ઉપરાંત ડ્રોનના ત્રણ પાંખિયા પણ મળી આવ્યાં છે. પોલીસની ટીમોનું
પેટ્રોલિંગ અને માછીમારો તથા કાંઠાળ વિસ્તારના ગ્રામજનો સાથેના સંકલનની રોચક વિગતો
સામે આવી છે. છેલ્લાં પાંચ-સાત વર્ષથી પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને માંડવીના સમુદ્રકાંઠે
બિનવારસુ રીતે માદક પદાર્થના પેકેટ એપ્રિલથી જૂન માસ દરમ્યાન મળતાં રહે છે. આ પેકેટ
ક્યાંથી આવે છે, તેનું પગેરું હજુ સુધી મળ્યું નથી. સતત ખણખોદના
પગલે વિવિધ એજન્સીઓ અને સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સામેપારથી માદક પદાર્થ સાથે
આવતી બોટ અહીંની કોસ્ટગાર્ડ ટીમને જોઈ જતાં તેઓ માદક પદાર્થનો જથ્થો દરિયામાં પધરાવી
દેતા હોય છે, જે દરિયાનાં મોજાં સાથે અહીં સમુદ્રકાંઠે આવી પહોંચે
છે. બીજી થિયરી મુજબ ઘૂસણખોરો વિવિધ નિર્જન ટાપુ પર આવાં પેકેટ છુપાવી રાખે છે અને
લાગ મળ્યે કાઢવાની પેરવીમાં હોય છે,
પરંતુ લાગ ન મળતાં જથ્થો ત્યાં જ ધરબાયેલો હોય, આ વચ્ચે સમુદ્રી પાણી ફરી વળતાં આ પેકેટ વેર-વિખેર બિનવારસુ હાલતમાં મળી આવ્યાના
કિસ્સા અગાઉ સામે આવી ચૂક્યા છે. - એપ્રિલ માસથી પવનની દિશા બદલાતાં જ આ સિલસિલો શરૂ થઈ જાય છે. : ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જિલ્લામાં કાર્યરત અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે જરૂરી
સંકલન રાખી દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા સતત કોસ્ટલ પેટ્રોલિંગની સૂચનાના પગલે
પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા એજન્સીઓ સાથે જરૂરી સંકલન રાખી તેમની વિવિધ
ટીમોના ઘોડા સમુદ્રકાંઠે સતત દોડતા રાખે છે.આ ખાસ પેટ્રોલિંગ અંગે એસઓજીના પોલીસ અધિકારી
અજયસિંહ પરમાર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઊંટસવાર, ઘોડેસવાર, મોટર સાઈકલિંગ અને ફૂટ પેટ્રોલિંગ રાઉન્ડ ધી
ક્લોક સમુદ્રકાંઠે અન્ય સુરક્ષા એજન્સીઓને સાથે રાખીને થતું હોય છે. આ સંયુક્ત પેટ્રોલિંગ
દરમ્યાન તા. 2/5થી
અત્યાર સુધી માદક પદાર્થના 62 પેકેટ
જેની કિં. રૂા. 1,55,00,000 તથા ડ્રોનનાં પાંખિયા મળી આવ્યાં છે. - ગ્રામજનો-માછીમારો સાથે સંકલન : દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ સમુદ્રકાંઠાના ગ્રામજનો તથા માછીમારો
સાથે પોલીસ સતત બેઠકો કરી સંકલન સાધે છે. શ્રી પરમારે જણાવ્યું હતું કે, કોઈ પણ સંદિગ્ધ વસ્તુ કે માદક
પદાર્થ દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરાય છે. અત્રે નોંધનીય છે કે, થોડાં વર્ષો પૂર્વે આ રીતે મળેલાં પેકેટસ વેચવા જતા આરોપીઓ ઝડપાયા હતા અને
તેઓને આકરી જેલ સજા પણ તાજેતરમાં જ કોર્ટે ફટકારી છે. આથી રાષ્ટ્રહિત અને પોતાની સુરક્ષાને
લઈ પોલીસને સહકાર આપવા અપીલ કરાઈ છે. - ફરી ચરસનાં 20 પેકેટ મળ્યાં : સમુદ્રકાંઠેથી
મળતો માદક પદાર્થોનો સિલસિલો અવિરત હોય તેમ એસઓજી તથા જખૌ મરીન પોલીસ દ્વારા સૈયદ સુલેમાન
પીર ટાપુ નજીક દરિયાકિનારેથી માદક પદાર્થનાં 10 પેકેટ બિનવારસુ હાલતમાં મળ્યાં હતાં, જ્યારે કોઠારા પોલીસ દ્વારા ખુડાથી સુથરી વચ્ચેના દરિયાકિનારેથી
પણ 10 પેકેટ શોધી કઢાયાં હતાં. આમ શંકાસ્પદ ચરસના
કુલ 20 પેકેટ મળ્યાં છે.- બિનવારસુ AIS મળી, ટ્રેસ માછલીની કે માદક પદાર્થની ? : સોમવારે ખિદરત ટાપુ પરથી બિનવારસુ હાલતમાં ઓટોમેટિક
આઈડેન્ટિફિકેશન સિસ્ટમ (અઈંજ) મળી આવી હતી. આ સોલાર બેઝ્ડ અને સેટેલાઈટ આધારિત ઈક્વિપમેન્ટ
દરિયામાં લોકેશન ટ્રેસ કરવા માટે વપરાય છે. દરિયાની ઊંડાઈ, માછલીનો જથ્થો અને જાળ ક્યાં
સુધી છે, તેની માહિતી આ સિસ્ટમ આપે છે. આ સિસ્ટમનો ઉપયોગ માછલીના
જથ્થા સાથે લોકેશન ટ્રેસ કરવા માટે જ થતો હતો કે દરિયામાં ગરક થયેલા માદક પદાર્થના
જથ્થાને ટ્રેસ કરવા માટે ? આ દિશામાં પણ તપાસ જરૂરી બની હોવાનું
સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.