• બુધવાર, 13 મે, 2026

મેઘપર પાસે ભુજની એક્સેસચાલક યુવતીને ટ્રેઇલરે મોતને ઘાટ ઉતારી

ભુજ, તા. 11 : આજે સવારે ભુજ-માંડવી માર્ગેના નારાણપર ત્રણ રસ્તાથી આગળ ભુજની 19 વર્ષીય યુવતી વિધિ જગદીશભાઇ વાઘેલા એક્સેસથી જતી હતી ત્યારે ટ્રેઇલરે અડફેટે લઇ અડધાથી એક કિ.મી. સુધી ઢસડી જતાં યુવતીનો કચ્ચરઘાણ નીકળી જતાં કમકમાટીભર્યું મોત થયું હતું. આકસ્મિક મોતના પગલે પરિજનો પર આભ તૂટી પડયું હતું અને હોસ્પિટલમાં રૂદનનાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. મેઘપર પાસે સર્જાયેલા કરુણ અકસ્માતના બનાવની પરિજનો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિધિના પિતા જગદીશભાઇ વાઘેલા પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા હતા. એક વર્ષ પૂર્વે જ પત્ની અને બે પુત્રીને નોંધારા મૂકી મૃત્યુ પામ્યા હતા. વિધિને હજુ બે માસ પૂર્વે પોસ્ટ ખાતામાં નોકરી મળી હતી. ભુજના કૈલાસનગરમાં રહેતી વિધિ તેની ટુ વ્હીલર એક્સેસ નં. જી.જે.-12-ડી.જે.-8605વાળી લઇને આજે સવારે 9-30 વાગ્યાના અરસામાં ભુજથી દહીંસરા તરફના માર્ગેથી નોકરી પર જઇ રહી હતી ત્યારે નારાણપર ત્રણ રસ્તાથી આગળ મેઘપર પાસે પેટ્રોલપંપ નજીક ટ્રેઇલર નં. જી.જે. -12-બીવાય-3314વાળાના ચાલકે અડફેટે લેતાં એક્સેસ સાથે જ વિધિ ટ્રેઇલરના ટાયરમાં ફસાઇ ગઇ હતી અને ટ્રેઇલરચાલકને જાણે કંઇ ખબર ન હોય તેમ અડધાથી એક કિ.મી. સુધી ઢસડી ગયો હતો. પાછળ આવતાં વાહનોએ હોર્ન મારી ટ્રેઇલર ઊભું રખાવા પ્રયાસ કર્યા પણ ચાલક ગાડી ચલાવે જ જતો હતો. ટ્રેઇલરને ઓવરટેક કરી ઊભું રખાવી ચાલકને ઉતારી અકસ્માત કર્યાનું બતાવ્યું હતું. ટ્રેઇલરના ટાયરમાં પ્રથમ તબક્કે તો કયું ટુ-વ્હીલર વાહન છે અને ચાલક ત્રી કે પુરુષ છે તે પણ સમજી ન શકાય તેવો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાહદારીઓએ ચાલકને મેથીપાક ચખાડી પોલીસ બોલાવી હતી. બનાવના પગલે મૃતક વિધિના માતા અને બહેન તેમજ નજીકના પરિજનો ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દોડી આવતાં રૂદનનાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. વિધિની બહેન દિવ્યાનું માનકૂવા પોલીસે નિવેદન લઇ ટ્રેઇલર નં. જી.જે.-12-બી.વાય.-3314વાળાના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.

Panchang

dd