ગાંધીધામ, તા. 11 : ભચાઉના આધોઈ ગામમાંથી
કિશોરીને વાડીએ લઈ જઈ ગોંધી રાખી તેની જાતીય સતામણીના કેસમાં ન્યાયાલયે બે આરોપીને
તકસીરવાન ઠેરવી બંનેને 10 વર્ષની સજાનો ચુકાદો
આપવામાં આવ્યો હતો. આધોઈમાં ગત તા. 27/8/2019ના સાંજના ભાગે આ બનાવ બન્યો હતો. એક કિશોરી સાંજે બજારમાં શાકભાજી લેવા જઈ
રહી હતી, ત્યારે આરોપી રાજેશ મનજી ધેડા (પરમાર)
ભોગ બનનાર પાસે બાઈકથી આવ્યો હતો, ક્યાં જાય છે પૂછી પોતે મૂકી
આવવાનું કહી ભોગ બનનારને બાઈક પર બેસાડી હતી, બાદમાં કંથકોટ તરફ
જતા રોડ બાજુ આવેલી પોતાની વાડીએ આ ભોગ બનનારને લઈ ગયો હતો, ત્યાં
તેણે કિશોરી સાથે બળજબરી કરી જાતીય સતામણી કરી તેને ગોંધી રાખી હતી. રાડારાડના પગલે
આ પ્રકરણ બહાર આવ્યું હતું. ભોગ બનનારે આ શખ્સ
તથા તેના ભાઈ મહેશ મનજી ધેડા (પરમાર)એ મદદગારી કરતાં બંને સામે ગુનો દર્જ કરાવ્યો હતો.
જે અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી આરોપીઓને પકડી પાડયા હતા. તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી તા. 26/10/2019ના ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં
ભચાઉની કોર્ટમાં ચાલી જતાં ત્યાં સાહેદોની મૌખિક જુબાની, દસ્તાવેજી પુરાવા બંને પક્ષની દલીલો
સાંભળ્યા બાદ ન્યાયાધીશ અંદલિપ તિવારીએ આ બંને આરોપીને તકસીરવાન ઠેરવ્યા હતા અને રાજેશ
પરમારને જુદી-જુદી કલમો તળે 10 વર્ષની
સજા તથા દંડ ફટકાર્યો હતો તેમજ મહેશ પરમારને પણ જુદી-જુદી કલમો તળે 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. દંડની રકમ ભોગ બનનારને
આપવા તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાંથી પાંચ લાખનું વળતર ભોગ બનનારને આપવા આદેશ
કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા હાજર રહી ધારદાર
દલીલો કરી હતી.