ભુજ, તા. 10 : ખાવડા
માર્ગના સાધારા-દદ્ધર વચ્ચે રોડ પર પુલિયા માટે ખોદાયેલા ખાડા પર આડશ કે કોઇ ચેતવણીના
બોર્ડ ન મુકાતાં સ્વિફટ કાર ધડામ દઇને ખાડામાં ખાબકતાં કારમાં સવાર બે અને બે બાઇકને
પણ આ ખાડા થકી અસ્માત નડતાં એક બાઇકમાંના શખ્સ એમ ત્રણ વ્યક્તિ મોતના મુખમાં ધકેલાતાં
અરેરાટી વ્યાપી છે. શનિવારે સાડા સાત-આઠ વાગ્યાની વચ્ચે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં
કારમાં સવાર જૂના દેઢિયાના 40 વર્ષીય
નૂરબાઇ જુમા સમાનું ગંભીર ઇજાનાં પગલે શનિવારે મોડીરાત્રે મોત નીપજ્યું હતું. જ્યારે
20 વર્ષીય યુવતી સમા રેહાના હકીમભાઇનીય સ્થિતિ
નાજૂક હોવાથી તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાતી વેળાએ રસ્તામાં ધ્રાંગધ્રા પાસે
તેણે દમ તોડી દીધો હતો. જ્યારે બાઇકમાંના સાધારાના 25 વર્ષીય યુવાન રશીદ સુમાર કલર પણ સારવાર દરમ્યાન
મૃત્યુ પામ્યા હતા. આમ આ ખાડો મોતનો ખાડો સાબિત થયો છે. આ અકસ્માતમાં કારમાંના આમદ
ઇબ્રાહિમ સમા અને અફસીન આમદ સમા (રહે. માધાપર- જૂનાવાસ) ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં
સારવાર તળે છે, જ્યારે બાઇકસવાર મૃતક રશીદની સાથેનો શખ્સ
પણ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. અન્ય એક બાઇકમાંના બે શખ્સ પણ સારવાર
તળે છે. આ ગોઝારા અકસ્માત અંગે સંબંધિતો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપરથી સ્વિફટ
કાર નં. જી.જે.-12-બી.આર.-6218 લઇને આમદભાઇ પરિજનો સાથે લગ્નપ્રસંગે દેઢિયા
ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે ખાડામાં કાર ખાબકતાં અકસ્માત સર્જાયો હતો.
બીજીતરફ આ ખાડાને લઇ બે બાઇકને પણ અકસ્માત નડતાં તેમાંના ચાર ઘાયલ થયા હતા, જેમાં રશીદ કલરનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આ રોડ પર પુલિયા માટે
ખોદવાનું કામ શનિવાર સવારથી ચાલુ થતાં બાજુમાંથી ડાયવર્ઝન કરાયું હતું. રોડ પરની એક
બાજુ માટીનો ઢગલો તથા બીજીબાજુ બાવળના ઝાંખરાની આડશ મુકાઇ હોવાનું સ્થાનિક સૂત્રોમાંથી
જાણવા મળ્યું છે. આ અકસ્માત અંગે ખાવડા પોલીસનો સંપર્ક કરતાં હજુ સુધી બનાવ અંગે કોઈ
ફરિયાદ ન નોંધાઈ હોવાનું જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીના
લીધે આ ગોઝારા અકસ્માતનાં પગલે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થાય તેવી સંભાવના જોવાઇ
રહી છે.