ગાંધીધામ, તા. 18 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં
એક મહિલાનો પીછો કરી તેમના ઉપર હુમલો કરી દુપટ્ટા વડે ગળેટૂંપો આપી મારી નાખવાની કોશિશ
કર્યા બાદ શખ્સે રૂા. 87,200ની લૂંટ કરી
નાસી જતાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. સામખિયાળી પ્લોટ વિસ્તાર શિવશક્તિનગરમાં
રહેનાર રઝિયાબેન દીનમામદ રાઉમાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મહિલાના
લગ્ન રહીમ શેરમામદ રાઉમા સાથે થયા છે. છેલ્લા એકાદ વર્ષથી ફરિયાદી પોતાના માતા સાથે રહે છે, આંગણવાડી વર્કર એવા આ મહિલાએ પોતાના પતિ સામે ભચાઉ કોર્ટમાં તથા સામખિયાળી
પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી છે. ગત તા. 16-7ના ફરિયાદી અને તેમના મામાના દીકરા કામ અર્થે ગાંધીધામ ગયા હતા, ત્યાંથી કારમાં બેસીને બંને પરત સામખિયાળી જઇ
રહ્યા હતા, ત્યારે રસ્તામાં બોલેરો નંબર જી.જે. 01 કે.ટી. 6321માં સરફરાજ અનવર જેડા અને એક
અજાણ્યો શખ્સ બેઠો હતો. આ શખ્સોએ કારને રોકવાની કોશિશ કરી હતી, પરંતુ કારચાલક ફરિયાદીના ભાઇ ઉમર રાઉમાએ ગાડી
આગળ હંકારી દીધી હતી. બાદમાં પાછળથી નંબર પ્લેટ વગરની કાર લઇને ફરિયાદી મહિલાનો પતિ
રહીમ પાછળ પાછળ આવ્યો હતો અને કારમાંથી નીચે ઊતરી પોતાની પત્નીને માર માર્યો હતો. વાળ
પકડી ઢસડી અને બળજબરીપૂર્વક કારમાં બેસી જવા કહ્યું હતું અને સાથે ન આવે તો જાનથી મારી
નાખવાની ધમકી આપી હતી. મારા પર જેટલા કેસ કર્યા છે તે પાછા ખેંચી લેજે તેમ કહી દુપટ્ટા
વડે મહિલાને ટૂંપો આપી મારી નાખવાની કોશિશ કરી હતી. અને બાદમાં મોબાઇલ તથા ચેઇન એમ
કુલ રૂા. 87,200ની મતાની
લૂંટ કરીને નાસી ગયો હતો. આ ત્રણેય સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
છે.