ભુજ, તા. 18 : તાલુકાના સુખપરમાં ગત બુધવારે
`કચ્છમિત્ર' દૈનિકની ડિલિવરી વેનના ચાલકને છરીની અણીએ રાખી
રોકડા રૂા. 7,000 તથા મોબાઈલ
લૂંટનારા બે આરોપી પૈકી મુસ્તાક હાસમ સોઢા (રહે. ખારીરોહર, તા. ગાંધીધામ)ને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક
ગુનાશોધક શાખાએ ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે
ઉમર ઉર્ફે સકીલ કારા કટિયા હાથમાં આવ્યો નહોતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના તથા ટેકનિકલ અને માનવીય સંદર્ભોના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં
આરોપી મુસ્તાકની અટક કરાઈ હતી. તેની સઘન પૂછતાછમાં આરોપીએ કબૂલાત આપતાં કહ્યું હતું
કે, તે તથા તેનો સાગરીત ઉમર ઉર્ફે સકીલ કારા કટિયા (રહે. ખારીરોહર,
તા. ગાંધીધામ)એ લૂંટ કરી નાસી ગયા હતા. પોલીસે આરોપીને આગળની કાર્યવાહી
અર્થે માનકૂવા પોલીસને સોંપ્યો હતો, જ્યારે લૂંટમાં મદદ કરનારા
અન્ય આરોપી ઉમર ઉર્ફે સકીલને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં એલસીબીના
ઈન્ચાર્જ પીઆઈ એચ. આર. જેઠીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી. જાદવ, એએસઆઈ પંકજભાઈ કુશવાહા તથા હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોશી સહિતનો સ્ટાફ જોડાયો
હતો.