• શુક્રવાર, 18 જુલાઈ, 2025

ગાંધીધામમાં ઘરે જઇ રહેલા દુકાનદાર ઉપર જીવલેણ હુમલો

ગાંધીધામ, તા. 17 : શહેરના સુંદરપુરી વિસ્તારમાં કરિયાણાની દુકાન બંધ કરીને ઘરે જઇ રહેલા વેપારી ઉપર બે શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. શહેરના સુંદરપુરી વિસ્તારમાં રહેતા ખીમજી ડાયા થારૂ (મહેશ્વરી) પોતાના વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવે છે. ગઇકાલે રાત્રે આ વેપારી પોતાની દુકાન બંધ કરીને મોપેડથી ઘર બાજુ જઇ રહ્યા હતા તેવામાં રસ્તામાં મનિષ આત્મારામ ઉર્ફે આતુ બડિયા (મહેશ્વરી) અને તરુણ પપ્પુ બારોટ તેમને આડા ઊતર્યા હતા. તરુણે મોપેડચાલકને નીચે પાડી દીધો હતો અને લાતો વડે માર માર્યો હતો. દરમ્યાન મનિષે છરી કાઢી મારી નાખવાના ઇરાદે આધેડ ઉપર હુમલો કર્યો હતો. તેમના પેટ, છાતીમાં ત્રણેક ઘા ઝીંકી દેવાયા હતા અને મનિષે મારી મમ્મીને ઘરમાં બેસાડેલી છે, આજે તો તને મારી નાખવો છે. દુકાનદારે રાડારાડ કરતા લોકો એકઠાં થતાં આ બંને શખ્સ નાસી ગયા હતા. ઘવાયેલા આધેડને સારવાર અર્થે લઇ જવાયા હતા. બનાવ અંગે તેમના નાના ભાઇ દેવજી ડાયા થારૂ (મહેશ્વરી)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ખીમજી થારૂના પત્નીનું ત્રણેક વર્ષ પહેલાં અવસાન થયું છે. તેમણે છેલ્લા ત્રણેક વર્ષથી અન્ય મહિલા સાથે ઘરઘેણું કર્યું છે જે અંગેનું મનદુ:ખ રાખી આ હુમલો કરાયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. બનાવ અંગે વધુ વિગતો માટે પીઆઇનો સંપર્ક કરાતા તેમણે ફોન ઉપાડયો ન હતો. 

Panchang

dd