ભુજ, તા. 16 : કચ્છમાં ચોર-લૂંટારુઓ બેખોફ-બેફામ
બન્યા છે. સુખપરમાં ભાંગતી રાતે `કચ્છમિત્ર' ન્યૂઝ પેપરની ડિલિવરી વેનના ચાલકને છરીની અણીએ
લૂંટી લેવાયાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. ચિંતા જગાવનારા આ બનાવ અંગે માનકૂવા પોલીસ મથકે પરેશભાઇ ઉર્ફે વિનુમારાજ ગોરે
નોંધાવેલી ફરિયાદ મુજબ તે તેમની ઇકો કાર નં. જી.જે. 12 ઇઇ-1313 વાળીમાં કચ્છમિત્ર પ્રેસથી
ન્યૂઝ પેપર ભરી વર્માનગર સુધીનાં ગામોમાં ડિલિવરી કરવા માટે 16મીના રાતે નીકળ્યા હતા અને ત્રણેક વાગ્યે
સુખપર પહોંચતાં ત્યાં ઓટલા ન્યૂઝ પેપરના પાર્સલ મૂકતાં એક કાળા કલરની હોન્ડા પર બે
માણસો આવી એકે ફરિયાદીના ગળા ઉપર છરી રાખી દીધી અને કહેવા લાગ્યા પૈસા આપ. ફરિયાદીના
શોર્ટ ચડ્ડાનાં ખિસ્સાંનાં પાકીટમાંથી રોકડા રૂા. 7000 તેમજ ગાડીના ડેસ્ક બોર્ડમાંથી મોબાઇલ કિં. રૂા. 500ની લૂંટ કરી બાઇકથી માનકૂવા
બાજુ ભાગી ગયા હતા. બંને લૂંટારુઓની ઉમર આશરે 25થી 30 હોવાનું ફરિયાદમાં
લખાવાયું છે. આ ફરિયાદના પગલે માનકૂવા પોલીસે સમગ્ર માર્ગ પરના સીસી ટીવી કેમેરા ચકાસી
અને હ્યુમન સોર્સીસના આધારે છાનબીન હાથ ધરી છે.